JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

વંદે માતરમ્ ગીતને રાષ્ટ્રગીત સમાન દરજ્જો આપવાની માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ

Oct 27, 2026 | 13:50 | By JAMNAGAR MIRROR
વંદે માતરમ્ ગીતને રાષ્ટ્રગીત સમાન દરજ્જો આપવાની માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ
દેશની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં દરરોજ જન ગણ મન સાથે વંદે માતરમ્ ગાવાની માંગ કરતી અરજીને દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હવે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

દેશમાં વંદે માતરમ્ ગીતને રાષ્ટ્રગીત સમાન દરજ્જો આપવાની માંગ સાથે જોડાયેલી એક અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ પડેલી આ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન એટલે કે PIL ને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી તથા જસ્ટિસ વી મોહનાની બેંચે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર નોટિસ ઇશ્યુ કરીને આ મામલાને સમાન પ્રકારની અન્ય અરજીઓ સાથે જોડી દીધો છે.

અરજદાર વતી એડવોકેટ અશ્વિની દુબે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ મામલે સમાન રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ પેન્ડિંગ હોવાથી દિલ્હી હાઈકોર્ટની આ PIL ને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વંદે માતરમ્ એ આપણા ઇતિહાસ, સાર્વભૌમત્વ, એકતા અને ગૌરવનું પ્રતીક છે. આ અરજીમાં મુખ્ય માંગ એ પણ કરવામાં આવી છે કે દેશની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં દરેક કામકાજના દિવસે જન ગણ મન અને વંદે માતરમ્ બંને ગીતો ગવાય અને વગાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નિર્દેશ આપવામાં આવે.

અરજીમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે ગાઇડલાઇન્સ કે રેગ્યુલેશન્સના અભાવે અત્યારે ઘણીવાર વંદે માતરમ્ યોગ્ય રીતે ગવાતું નથી અને ફિલ્મો કે પાર્ટીઓમાં તેનો દુરુપયોગ થાય છે. વંદે માતરમ્ ગીતે દેશની આઝાદીની લડતમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે અને ૧૯૫0 માં બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદના નિવેદનને ધ્યાનમાં રાખીને તેને રાષ્ટ્રગીત જેટલું જ માન મળવું જોઈએ. અદાલતે આ સમગ્ર મામલે હવે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે ત્યારે આગામી સમયમાં આ મુદ્દે સરકાર તરફથી શું રજૂઆત થાય છે અને કોર્ટ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

LATEST ARTICLES