JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

લેન્ડ રોવર ડિફેન્ડર 110 હવે ભારતમાં થઈ સસ્તી, કિંમતમાં થયો 34 લાખ સુધીનો મોટો ઘટાડો

Oct 27, 2026 | 12:55 | By JAMNAGAR MIRROR
લેન્ડ રોવર ડિફેન્ડર 110 હવે ભારતમાં થઈ સસ્તી, કિંમતમાં થયો 34 લાખ સુધીનો મોટો ઘટાડો
સ્લોવાકિયા પછી ભારત દુનિયાનો બીજો એવો દેશ બન્યો છે જ્યાં લેન્ડ રોવર ડિફેન્ડર 110નું લોકલ અસેમ્બલિંગ શરૂ થયું છે. ગાડી દેશમાં જ બનવા લાગતા તેના ભાવમાં જબરદસ્ત ઘટાડો થયો છે અને સાથે જ અગાઉ જે ફીચર્સ માટે અલગથી પૈસા ચૂકવવા પડતા હતા તે હવે સ્ટાન્ડર્ડ તરીકે મળી રહ્યા છે.

લક્ઝરી ગાડીઓનો શોખ ધરાવતા શોખીનો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જાણીતી લક્ઝરી કાર કંપની લેન્ડ રોવરે ભારતમા જ ગાડીઓનું અસેમ્બલિંગ એટલે કે મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દીધું છે, જેની સીધી અસર તેની પ્રાઇસ પર જોવા મળી રહી છે. અત્યાર સુધી વિદેશથી ઇમ્પોર્ટ થઈને આવતી લેન્ડ રોવર ડિફેન્ડર 110 હવે દેશમાં જ તૈયાર થવાને કારણે પૂરા 34 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે. સ્લોવાકિયા બાદ ભારત દુનિયાનો એવો બીજો દેશ છે જ્યાં આ શાનદાર એસયુવીનું નિર્માણ થઈ રહ્યું છે. સસ્તી થવાની સાથે જ કંપનીએ ગાડીમાં ઘણા બધા પ્રીમિયમ ફીચર્સ પણ ફ્રી આપવાનું શરૂ કર્યું છે, જેના કારણે ગ્રાહકોને હવે ડબલ ફાયદો મળી રહ્યો છે.

કિંમતોની વાત કરીએ તો ડિફેન્ડર 110ના એક્સ-ડાયનેમિક એચએસઇ ટ્રિમમાં આવતા 3.0-લિટર ડીઝલ ડી350 અને 3.0-લિટર પેટ્રોલ પી400 વેરિયન્ટ્સની જૂની કિંમત 1.52 કરોડ રૂપિયા હતી, જે ઘટીને હવે સીધી 1.18 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે આ બંને મોડલ પર પૂરા 34 લાખ રૂપિયાની બચત થઈ રહી છે. જ્યારે એન્ટ્રી-લેવલનું 2.0-લિટર પેટ્રોલ પી300 વેરિયન્ટ અગાઉ 1.135 કરોડ રૂપિયામાં મળતું હતું, જે હવે 99 લાખ રૂપિયામાં જ મળી જશે, એટલે કે તેમાં 14.5 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે જ ગાડીમાં પહેલા જે ફીચર્સ પેઇડ ઓપ્શનમાં આવતા હતા તે હવે પીએસ300માં 17 અને બાકીના મોડલ્સમાં 29 નવા ફીચર્સ એકદમ સ્ટાન્ડર્ડ તરીકે સામેલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઇલેક્ટ્રોનિક એર સસ્પેન્શન, ટેરેન રિસ્પોન્સ 2, પેનોરેમિક રૂફ અને પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવા દમદાર ફીચર્સનો સમાવેશ થાય છે.

આ શાનદાર એસયુવીમાં પરફોર્મન્સની બાબતમાં કોઈ જ સમજૂતી કરવામાં આવી નથી. આ ગાડી ત્રણ એન્જિન ઓપ્શન ડી350 ડીઝલ, પી400 પેટ્રોલ અને પી300 પેટ્રોલમાં ઉપલબ્ધ છે અને તમામ મોડલ્સ 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. ગાડી માત્ર 6.1 થી 7.4 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આનું શાનદાર ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને વોડ સેન્સિંગ ટેકનોલોજી 900 એમએમ સુધીના પાણીમાં પણ ગાડીને સહેલાઈથી કાઢી શકે છે. લોકલ અસેમ્બલિંગ શરૂ થવાથી હવે ગ્રાહકોને આ લક્ઝરી અને પાવરફુલ ઓફ-રોડર ગાડી ખૂબ જ આકર્ષક ભાવે મળી રહી છે, જેને કારણે ઓટો માર્કેટમાં તેનો ઉત્સાહ વધી ગયો છે.

LATEST ARTICLES