JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

સાયક્લોન અર્નબ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની તૈયારીમાં, અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર

Oct 27, 2026 | 12:55 | By JAMNAGAR MIRROR
સાયક્લોન અર્નબ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની તૈયારીમાં, અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોન અર્નબ બુધવારે સવારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે. આ તોફાનની અસરથી ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાવાની શક્યતા છે જેને પગલે પ્રશાસન એલર્ટ મોડ પર છે.

દેશમાં વધુ એક ખતરનાક સાયક્લોન અર્નબ ત્રાટકવા માટે પૂરી રીતે તૈયાર છે અને તે બુધવારની સવાર સુધીમાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. ભારત મોટોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) ની આગાહી મુજબ આ વાવાઝોડું યાનમ પાસે બાપાટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકશે ત્યારે પવનની ઝડપ 115 થી 125 કિમી પ્રતિ કલાક અને ક્યારેક તે 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ વાવાઝોડાનું નામ અર્નબ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે, જેનો ઉચ્ચાર ઓર્નબ થાય છે. ઉત્તર હિંદ મહાસાગરમાં ઉદ્ભવતા આ પ્રકારના વાવાઝોડાના નામકરણની સિસ્ટમ હેઠળ વિશ્વ મોટોલોજિકલ ઓર્ગેનાઇઝેશનના 13 દેશો દ્વારા 52 નામોની યાદીમાંથી ક્રમશઃ નામો આપવામાં આવે છે, જેથી સરકારી એજન્સીઓ અને સામાન્ય જનતાને ચેતવણી આપવામાં સરળતા રહે.

આપત્તિને પહોંચી વળવા આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા 16 જિલ્લાના 2,460 ગામો અને 92 શહેરી વિસ્તારોને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે 1,763 સાયક્લોન શેલ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે, 2,907 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે અને 3,185 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 30,043 ફિશિંગ વેસલને સુરક્ષિત રીતે એન્કર કરવામાં આવ્યા છે. ખરાબ હવામાનની અસર વિશાખાપટ્ટનમ અને વિજયવાડાની ફ્લાઇટ્સ પર પણ પડી શકે છે જેથી એર ઇન્ડિયા દ્વારા મુસાફરોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે.

આ વાવાઝોડાની અસર માત્ર આંધ્ર પ્રદેશ પૂરતી મર્યાદિત નથી પરંતુ ઓડિશામાં પુરી, ગંજામ, કોરાપુટ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે ચિલિકા લેકમાં બોટ અને ફેરી ઓપરેશન્સ 26 થી 29 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવ્યા છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ 28 થી 30 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં પણ 28 થી 31 ઓક્ટોબર વચ્ચે બેમોસમી વરસાદ અને તોફાનની આગાહી છે જેના કારણે તાપમાનમાં 5 થી 8 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. પ્રશાસન દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને અસુરક્ષિત સ્થળોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

LATEST ARTICLES