રાજકોટ શહેરના મવડી મેઇન રોડ પર આવેલા આનંદ બંગલા ચોક પાસે ગઈકાલે સમી સાંજે એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. કુવાડવા રોડ પર ચોટીલા પાસે આપાગીગાનો ઓટલા નામનો આશ્રમ ચલાવતા મહંત નરેન્દ્રબાપુ સોલંકી અને એક અજાણ્યા બાઇકચાલક યુવાન વચ્ચે સરાજાહેર મારામારી થઈ હતી. ચાલુ વાહને થૂંકવા જેવી સાવ સામાન્ય બાબતથી શરૂ થયેલી બોલાચાલી એટલી બધી વધી ગઈ કે વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને કારણે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિક તથા તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.
ઘટનાની વિગતો મુજબ, મોપેડ પર સવાર થઈને જઈ રહેલા નરેન્દ્રભાઈ સોલંકીને બાઇકચાલક યુવાન સાથે બોલાચાલી થયા બાદ ગુસ્સો એટલો વધી ગયો કે તેમણે પોતાની પાસે રહેલી લાકડીથી યુવાન પર હુમલો કરી દીધો હતો અને સાથે રહેલા શખસને પણ ફટકારવા કહ્યું હતું. પરંતુ આ મામલો બાપુના ધાર્યા મુજબ નહોતો રહ્યો. સામાપક્ષે ગુસ્સે ભરાયેલા યુવાને જબરજસ્ત વળતો પ્રહાર કરીને નરેન્દ્રબાપુને સરાજાહેર ફડાકા ઝીંકી દીધા હતા અને તેમને પકડીને જમીન પર પણ પછાડી દીધા હતા. આ આખી ઘટના કોઈ રાહદારીએ પોતાના મોબાઇલમાં કંડારી લીધી હતી અને થોડીવારમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો, જેને લઈને શહેરમાં જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
આ મામલે માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.એમ.કૈલાનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આ વીડિયો વાયરલ થયા હોવા છતાં હજુ સુધી નરેન્દ્રભાઈ સોલંકી કે બાઇકચાલક યુવાન તરફથી પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. વીડિયો ખૂબ વાયરલ થવાને કારણે વાત વણસે નહીં તે માટે આખરે બંને પક્ષે સમાધાનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અંતે યુવાને નરેન્દ્રબાપુની માફી માંગીને અને પગે લાગીને આ સમગ્ર વિવાદનો અંત લાવ્યો હતો, જેથી પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.
