JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

તમિલનાડુની જેલમાંથી 17 કેદીઓ ફરાર થતા રાજકારણ ગરમાયું, પૂર્વ સીએમ સ્ટાલિને વિજય સરકાર પર સાધ્યા નિશાના

Oct 27, 2026 | 12:45 | By JAMNAGAR MIRROR
તમિલનાડુની જેલમાંથી 17 કેદીઓ ફરાર થતા રાજકારણ ગરમાયું, પૂર્વ સીએમ સ્ટાલિને વિજય સરકાર પર સાધ્યા નિશાના
તમિલનાડુની થેની ડિસ્ટ્રિક્ટની સબ-જેલમાંથી એકસાથે 17 અંડરટ્રાયલ કેદીઓ ભાગી છૂટતા હોબાળો મચી ગયો છે. આ ઘટનાને લઈને પૂર્વ સીએમ એમકે સ્ટાલિને સી. જોસેફ વિજયની સરકાર પર પ્રખ્યાત વેબ સિરીઝ પ્રિઝન બ્રેકનો ઉલ્લેખ કરીને આકરા પ્રહારો કર્યા છે અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે.

તમિલનાડુના રાજકારણમાં અત્યારે સિનેમેટિક અંદાજમાં આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે, જેમાં થેની જિલ્લાની થેક્કામપટ્ટી સબ-જેલમાંથી સોમવારે મોડી રાત્રે 17 અંડરટ્રાયલ કેદીઓ ફરાર થઈ જવાની મોટી ઘટના સામે આવી છે. આ ગંભીર સુરક્ષા ચૂકને લઈને ડીએમકે સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ટીવી શૉ પ્રિઝન બ્રેકનો સંદર્ભ ટાંકીને વર્તમાન સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં હવે બ્રેકિંગ બેડ પછી પ્રિઝન બ્રેક જેવી સ્થિતિ શરૂ થઈ ગઈ છે અને સવાલો ઉઠાવ્યા છે કે આટલી મોટી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આટલી મોટી સંખ્યામાં કેદીઓ કેવી રીતે ભાગી છૂટ્યા.

આરોપીઓએ ખૂબ જ ચાલાકીથી જેલ સ્ટાફને ચકમો આપ્યો હતો, પ્રારંભિક તપાસ મુજબ આ 17 કેદીઓએ એપિલેપ્ટીક સિઝર્સ એટલે કે વાઈનો હુમલો આવ્યો હોવાનું નાટક કર્યું હતું જેથી જેલ સ્ટાફ સેલ ખોલવા માટે મજબૂર બને. જેવા સ્ટાફ દરવાજા પાસે આવ્યા કે તરત જ કેદીઓએ ગાર્ડ્સ પર હુમલો કરી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગયા. આ ફિલ્મી ઢબના હુમલામાં 3 પ્રિઝન કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ગ્રેડ II પોલીસ કોન્સ્ટેબલ થંગાપાંડીના માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમને જી વિલક્કુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 2 કર્મચારીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રવીણ કુમાર, સિલંબારસન, રાજા સિકંદર અને રાજકુમાર નામના કેદીઓમાંથી 4ને ઝડપી લીધા છે, જ્યારે બાકીના 13 કેદીઓની શોધખોળ હજુ ચાલુ છે.

આ ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિને વર્તમાન સરકારને એકદમ નકામી ગણાવીને કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઘેરી છે. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 1995 પછી જેલમાંથી કેદીઓ ભાગી જવાની આ પહેલી મોટી ઘટના છે અને થોડા દિવસો પહેલા જ પુઝલ પ્રિઝનમાંથી પણ 2 કેદીઓ નાસી છૂટ્યા હતા. સ્ટાલિને આક્ષેપ કર્યો છે કે બહારના ગુનેગારો બેખોફ થઈને ક્રાઈમ કરી રહ્યા છે અને હવે જેલની અંદર રહેલા કેદીઓ પણ ડર વગર ભાગી રહ્યા છે. અગાઉ મેથામ્ફેટામાઈન ડ્રગ્સ કેસમાં ટીવીકે પક્ષના હોદ્દેદારની ધરપકડ વખતે પણ સ્ટાલિને બ્રેકિંગ બેડ વેબ સિરીઝનો ઉલ્લેખ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું, ત્યારે હવે આ જેલ બ્રેક કાંડ બાદ રાજ્યનું રાજકારણ વધુ ગરમાયું છે.

LATEST ARTICLES