પાટણ જિલ્લામાં બુટલેગરોની ખેર નથી, કારણ કે પોલીસે દારૂના ગેરકાયદે વેપાર અને નેટવર્કની કમર તોડવા માટે એક મેગા પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરી છે. આ ખાસ અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં પોલીસની ટીમોએ સપાટો બોલાવતા અલગ-અલગ વિસ્તારોમાં આવેલા અડ્ડાઓ પર એકસાથે કુલ 260 સ્થળોએ ઓચિંતા દરોડા પાડ્યા હતા. પોલીસની આ અચાનક થયેલી ધમાકેદાર એન્ટ્રીથી ગેરકાયદે દારૂનું કામ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ મેગા ઓપરેશનને સફળ બનાવવા માટે એલસીબી અને એસઓજી સહિત પોલીસની આશરે 54 જેટલી ટીમો મેદાનમાં ઉતરી હતી, જેમણે સઘન તપાસ કરીને આશરે 110 જેટલા ગુના નોંધ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹16.68 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ જથ્થો પકડાયો છે, જેમાં ₹12.14 લાખનો વિદેશી દારૂ અને ₹4.54 લાખનો દેશી દારૂ તથા વોશ સામેલ છે. પોલીસની ટીમોએ રેડ દરમિયાન પકડાયેલા દેશી દારૂના જથ્થાનો નિયમ મુજબ સ્થળ પર જ નાશ કર્યો હતો.
આટલા મોટા પાયે થયેલી કાર્યવાહીનો મુખ્ય હેતુ જિલ્લામાંથી ગેરકાયદે દારૂના વેચાણ અને તેની સપ્લાય ચેઇનને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાનો છે. હાલમાં પોલીસ વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતી નવી મોડસ ઓપરેન્ડીની દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હવે આગામી દિવસોમાં પોલીસની આ કડક કાર્યવાહી બાદ દારૂના બાકી રહેલા અડ્ડાઓ અને સપ્લાય નેટવર્ક સામે કેવા અને કેટલા સખત પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.
