JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

મીડિયાની સ્વતંત્રતા અને ડિજિટલ પ્રાઈવસી લૉ વચ્ચે ટક્કર, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટને પાઠવી નોટિસ

Oct 27, 2026 | 12:32 | By JAMNAGAR MIRROR
મીડિયાની સ્વતંત્રતા અને ડિજિટલ પ્રાઈવસી લૉ વચ્ચે ટક્કર, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટને પાઠવી નોટિસ
દેશના 21 મોટા ન્યૂઝ પબ્લિશર્સે ડિજિટલ પ્રાઈવસી લૉ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ કાયદાથી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમને મોટું જોખમ હોવાની અને સોર્સની ગોપનીયતા જોખમાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના પર કોર્ટે હવે 17 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરી છે.

દેશમાં પત્રકારત્વની સ્વતંત્રતા અને ડિજિટલ પ્રાઈવસી લૉ વચ્ચેનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સેન્ટ્રલ ગવર્મેન્ટને નોટિસ જારી કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત તેમજ જસ્ટિસ જ્યોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ માધવી દિવાનની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો. ન્યૂઝ ઓર્ગેનાઈઝેશનનું માનવું છે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન લૉ ની કેટલીક જોગવાઈઓને કારણે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ નબળું પડી શકે છે અને પત્રકારોના ગુપ્ત સોર્સ પણ ખુલ્લા થઈ શકે છે.

આ હાઈ-પ્રોફાઈલ અરજી કરનાર 21 ન્યૂઝ પબ્લિશર્સમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની માલિકીની સંસ્થાઓ ઉપરાંત ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઈન્ટરનેટ જેવા દિગ્ગજ મીડિયા હાઉસ પણ સામેલ છે. પબ્લિશર્સની મુખ્ય ચિંતા એ છે કે યુરોપિયન યુનિયન, સિંગાપોર અને બ્રિટનની જેમ આ કાયદામાં જર્નાલિઝમ માટે કોઈ સ્પષ્ટ છૂટ આપવામાં આવી નથી. કાયદા મુજબ પત્રકારોએ જે લોકોની તપાસ કરવી હોય તેમની પાસેથી કન્સેન્ટ લેવી પડશે, જેના કારણે તપાસ હેઠળના લોકો પુરાવા નષ્ટ કરી શકે છે અથવા સાક્ષીઓને ડરાવી શકે છે. આ ઉપરાંત, કોઈપણ વ્યક્તિ પોતાના ડેટાનો ઉપયોગ અટકાવીને ડેટા ડિલીટ કરવાની માંગ કરી શકે છે, જેની સીધી અસર ન્યૂઝ રિપોર્ટ્સ પર પડી શકે છે અને અગાઉ છપાયેલા તથ્યોને હટાવવાની ફરજ પડી શકે છે.

અરજીમાં એવા મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા છે કે કાયદા હેઠળ સરકારી ઓથોરિટીને દંડ ફટકારવાની અને માહિતી માંગવાની બેફામ સત્તા આપવામાં આવી છે, જેનાથી વિસલબ્લોઅર્સ ભ્રષ્ટાચાર કે કૌભાંડોની માહિતી આપતા ડરશે. સરકાર પાસે પબ્લિક ઈન્ટરનેટના હિતમાં કોઈપણ માહિતી બ્લોક કરવાની સત્તા છે, જે પ્રેસની આઝાદીને સીધી રીતે કુઠારાઘાત કરી શકે છે. આ વિવાદાસ્પદ કાયદો મોટે ભાગે 2027ના મે મહિનાથી લાગુ થવાનો છે, ત્યારે પબ્લિશર્સે આ કાયદાની અનેક જોગવાઈઓ રદ્દ કરવાની માંગ કરી છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ એસોસિએશને સરકારને પત્ર લખીને પ્રેસ માટે પ્રોટેક્શનની માંગણી કરી હતી, અને હવે આ મામલે આગામી 17 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

LATEST ARTICLES