JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

દિલ્હીથી હરિદ્વાર હવે માત્ર 1 કલાકમાં પહોંચી શકાશે, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

Oct 27, 2026 | 12:31 | By JAMNAGAR MIRROR
દિલ્હીથી હરિદ્વાર હવે માત્ર 1 કલાકમાં પહોંચી શકાશે, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક કોન્ફરન્સમાં જણાવ્યું કે આગામી મહિનાથી દિલ્હીથી હરિદ્વારનો નવો રોડ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, જેનાથી મુસાફરીનો સમય ઘટીને માત્ર 1 કલાકનો થઈ જશે. આ સાથે જ ચારધામ યાત્રા અને અન્ય ધાર્મિક સ્થળોના પ્રવાસીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે.

દિલ્હીથી હરિદ્વાર જનારા લોકો માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નિતિન ગડકરીએ મંગળવારે CII ની નેશનલ કોન્ફરન્સમાં દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને મોટી જાહેરાતો કરી છે. તેમણે જણાવ્યું કે સરકારના રોડ પ્રોજેક્ટ્સને કારણે ધાર્મિક સ્થળો સુધી પહોંચવું હવે ખૂબ જ સરળ બની ગયું છે અને ટૂરિઝમ તથા રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે. તાજેતરમાં જ શરૂ થયેલા દિલ્હી-દહેરાદૂન કોરિડોરને કારણે બંને શહેરો વચ્ચેનો 7 કલાકનો સમય ઘટીને હવે માત્ર 2 કલાકનો થઈ ગયો છે, અને હવે આગામી મહિનામાં દિલ્હીથી હરિદ્વારનો નવો રસ્તો ખુલ્લો મુકવામાં આવશે.

આગામી મહિનાથી શરૂ થનારા આ નવા પ્રોજેક્ટથી દિલ્હીથી હરિદ્વારનું અંતર કાપવામાં માત્ર 1 કલાકનો સમય લાગશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. ચારધામ રોડ પ્રોજેક્ટ વિશે વાત કરતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનું 80 થી 85 ટકા કામ પૂરું થઈ ગયું છે, જેના કારણે દિલ્હીથી બદ્રીનાથ અને કેદારનાથ જનારા ટ્રાફિકમાં 3 ગણો વધારો નોંધાયો છે. આ ઉપરાંત અયોધ્યા, મહારાષ્ટ્રના પંઢરપુર પાલખી માર્ગ અને જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં ટનલ, રોડ અને બ્રિજનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સરકારે ધાર્મિક ટૂરિઝમ માટે 1 લાખ કરોડ રૂપિયા અને ટનલ પ્રોજેક્ટ્સ માટે 2 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે, જે ટૂરિઝમ સેક્ટરમાં 49 ટકા સુધી રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરશે.

દેશના આર્થિક વિકાસ અને કનેક્ટિવટી અંગે વાત કરતા ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ઉલ્લેખ કર્યો હતો, જે હરિયાણા, રાજસ્થાનના અલવર, દૌસા, સવાઈ માધોપુર, બુંદી તેમજ મધ્ય પ્રદેશના રતલામ, ઝાબુઆ અને ગુજરાતના દાહોદ જેવા આકાંક્ષી અને આદિવાસી જિલ્લાઓને મોટા આર્થિક કેન્દ્રો સાથે જોડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવતા દર 100 રૂપિયાના ખર્ચથી અર્થવ્યવસ્થા પર 325 રૂપિયા જેટલો મોટો સકારાત્મક પ્રભાવ પડે છે અને સિમેન્ટ-સ્ટીલ જેવા ઉદ્યોગોને પણ વેગ મળે છે. રોડ કનેક્ટિવિટી સુધરવાથી ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘટશે અને દેશના ઈન્ડસ્ટ્રી, ટૂરિઝમ અને શહેરોના સર્વાંગી વિકાસમાં મોટો ફાયદો થશે.

LATEST ARTICLES