અમેરિકાની રાજનીતિમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા એક સર્વે મુજબ, વર્ષ 2024ની પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને વોટ કરનાર ઓછામાં ઓછા 25 ટકા સાઉથ એશિયન અમેરિકનો આગામી 3 નવેમ્બરની મિટરમ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવારોને સમર્થન આપવાનું વિચારી રહ્યા છે. ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ નામના એડવોકેસી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં કુલ 800 રજિstered મતદારોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો, જેમાં 87 ટકા ઇન્ડિયન-અમેરિકનો સામેલ હતા જ્યારે બાકીના 13 ટકા પાકિસ્તાની, બાંગ્લાદેશી, શ્રીલંકન અને નેપાળી સહિતના સમુદાયના લોકો હતા. આ સર્વે એવા સમયે આવ્યો છે જ્યારે ટેક્સાસ સહિતના અનેક રાજ્યોમાં અર્લી વોટિંગની શરૂઆત થઈ ચૂકી છે અને સાઉથ એશિયન વોટર્સનું મહત્ત્વ વધી ગયું છે.
આ સર્વે અનુસાર, મિટરમ ચૂંટણીમાં મોંઘવારી (65 ટકા), હેલ્થકેર (53 ટકા), નોકરીઓ અને વેતન (33 ટકા) તેમજ એજ્યુકેશન (28 ટકા) સૌથી મોટા મુદ્દાઓ બનીને ઉભર્યા છે. જોકે ટ્રમ્પને વોટ કરનારા 67 ટકા લોકો હજુ પણ રિપબ્લિકન્સની સાથે છે, પરંતુ 25 ટકાનો પક્ષ બદલવાનો નિર્ણય ઘણું બધું કહી જાય છે. બીજી તરફ, કમલા હેરિસને વોટ કરનાર 96 ટકા લોકો ડેમોક્રેટ્સની સાથે જ અડગ રહ્યા છે. આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે 90 ટકા મતદારોએ કાં તો જાતે અથવા તેમના જાણકાર દ્વારા ભેદભાવનો સામનો કર્યો છે. 21 વર્ષના સેકન્ડ જનરેશન ઇન્ડિયન અમેરિકન વસંત ભટ્ટે જણાવ્યું કે તેણે તાજેતરમાં જ ડેમોક્રેટિક ઉમેદવાર જેમ્સ ટાલેરિકોને વોટ આપ્યો છે, કારણ કે તેને પોતાની ઓળખ પર હુમલા અને ઝેનોફોબિયા સામે વાંધો છે.
અમેરિકાના મિશિગન અને ટેક્સાસ જેવા રાજ્યોમાં સાઉથ એશિયન વોટર્સની સંખ્યા ખૂબ મોટી છે, પરંતુ અગાઉની ચૂંટણીઓમાં હજારો રજિસ્ટર્ડ વોટર્સ મતદાન કરવા જ નહોતા ગયા. મિશિગનમાં લગભગ 30,000 અને ટેક્સાસમાં લગભગ 100,000 સાઉથ એશિયન વોટર્સે 2022માં વોટ નહોતો કર્યો. જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, મિશિગન અને નોર્થ કેરોલિના જેવા બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં ચૂંટણી પરિણામો બદલવા માટે માત્ર 1 કે 2 ટકા વોટ પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે 78 ટકા લોકો માને છે કે તેમના વોટથી બદલાવ આવી શકે છે, જ્યારે મોટાભાગના લોકો એવું પણ માને છે કે ચૂંટાયેલા અધિકારીઓ સામાન્ય જનતાથી દૂર થઈ જાય છે. આગામી ચૂંટણીમાં આ નાની વોટ બેંક મોટો ખેલ પાડી શકે છે.
