રાજકોટ શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા વિશેષ અભિયાન અંતર્ગત SOG અને સ્થાનિક પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. શહેરના યોગીનગર વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે એક મકાનમાં દરોડો પાડીને અતિ કિંમતી અને ઘાતક ગણાતા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ. 23.80 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો કબ્જે કર્યો છે, જેના કારણે ડ્રગ્સનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી પૂજા ભટ્ટ નામની મહિલાની ધરપકડ કરી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ગૌતમ દવે છે અને તેણે જ આ પ્રતિબંધિત જથ્થો પૂરો પાડ્યો હતો. આ માહિતી મળતા જ પોલીસે મુખ્ય સપ્લાયર ગૌતમ દવેને પકડવા માટે ખાસ ટીમો બનાવીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. બીજી તરફ પ્રદ્યુમનનગર પોલીસે પણ સદર બજાર વિસ્તારમાં કાર્યવાહી કરીને કમલેશ પોપટ નામના શખ્સને ઝડપી લીધો છે અને તેની પાસેથી પણ હાઇબ્રિડ તેમજ સૂકો ગાંજો જપ્ત કર્યો છે.
આ સમગ્ર રેકેટ પાછળ સંડોવાયેલા અન્ય શખ્સો અને ડ્રગ્સ સપ્લાય કરતી આખી ચેઇનનો પર્દાફાશ કરવા માટે SOG અને પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. રાજકોટમાં યુવાધન બરબાદ કરતા આ કારોબારને જડમૂળથી ઉખડી નાખવા માટે પોલીસ આગામી દિવસોમાં વધુ કડક પગલાં ભરી શકે છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા મોટા નામ પણ બહાર આવી શકે છે.
