અરુણાચલ પ્રદેશના સિયાંગ ક્ષેત્રમાં ભારત અને ચીનની રણનીતિ વચ્ચે હવે મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકારના 11,200 મેગાવોટના સૂચિત સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ સામે સ્થાનિક આદિ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ આંદોલનની આગેવાની કરી રહેલા આદિ બાને કેબંગ-યુનાઇટેડ સંગઠને આક્ષેપ કર્યો છે કે સરકાર સ્થાનિક લોકોની સહમતિ વગર જ પ્રી-ફિઝિબિલિટી સ્ટડી આગળ વધારી રહી છે, જેના કારણે શાંત વિસ્તાર હવે જંગના મેદાનમાં ફેરવાઈ ગયો છે. સંગઠનનું કહેવું છે કે સરકારનો આ રવિૈયો સીધો જ આદિવાસીઓના અધિકારો પર તરાપ મારવા સમાન છે અને તે તેમની પૂર્વજોની જમીન પર અતિક્રમણ કરી રહી છે.
આ વિરોધ વચ્ચે સંગઠનના પ્રવક્તા દાતિક રતને સવાલ ઉઠાવ્યો છે કે ચીન દ્વારા સરહદ પાસે બની રહેલા 60,000 મેગાવોટના ડેમ સામે ભારતીય પક્ષે 11,200 મેગાવોટનો ડેમ બનાવવાથી કોઈ ખાસ ફરક નહીં પડે. આ પ્રોજેક્ટ અંતર્ગત સિયાંગ, અપેર સિયાંગ અને ઈસ્ટ સિયાંગ જિલ્લામાં સિયાંગ નદી કિનારે ડ્રિલિંગ કરવાનું છે, જેનાથી આ વિસ્તારના આશરે 27 ગામો અને વસાહતો પાણીમાં ડૂબી જવાનો અને વિસ્થાપિત થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. પ્રભાવિત વિસ્તારોના આશરે 80 ટકા પરિવારોએ આ ડેમ સામે સ્પષ્ટ વાંધો વ્યક્ત કર્યો છે. જો કે કેટલાક પરિવારો આ સ્ટડી માટે રાજી થયા છે, પરંતુ મોટાભાગના લોકો હજુ પણ તેનો વિરોધ કરી રહ્યા છે અને સરકાર પર ખોટી રીતે સર્વે કરાવવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી રહ્યા છે.
આંદોલનકારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સરકાર પ્રોજેક્ટ સામેનો અવાજ દબાવવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરી રહી છે અને વિરોધ કરનારાઓના ફેસબુક એકાઉન્ટ્સ પણ બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને જોતા સંગઠને ચીફ મિનિસ્ટર પેમા ખાંડુ અને રાજ્ય સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તેઓ નિષ્ણાતોની હાજરીમાં આ પ્રોજેક્ટ પર ખુલ્લી ડિબેટ કરે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ વિકાસની વિરુદ્ધ નથી, પરંતુ સ્થાનિક સમુદાયોની જમીન છીનવીને કે તેમની પર જબરદસ્તી કરીને થતા વિકાસને તેઓ ક્યારેય સ્વીકારશે નહીં.
