JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ભારતની પહેલી બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં, જમીનની 100 ફીટ નીચે સ્ટેશન અને સમુદ્ર નીચે બનશે ટનલ

Oct 27, 2026 | 11:40 | By JAMNAGAR MIRROR
ભારતની પહેલી બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં, જમીનની 100 ફીટ નીચે સ્ટેશન અને સમુદ્ર નીચે બનશે ટનલ
દેશની પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું અપડેટ આપ્યું છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડનારી આ હાઈસ્પીડ ટ્રેન 2027માં શરૂ થવાની આશા છે, જેમાં જમીનથી 100 ફીટ નીચે અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને સમુદ્રની નીચે 7 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે.

દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે, કારણ કે આ પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આ પ્રોજેક્ટની લેટેસ્ટ વિગતો શેર કરતા જણાવ્યું છે કે ભારતની પહેલી બુલેટ ટ્રેન હવે ઝડપથી આકાર લઈ રહી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના આ હાઈસ્પીડ રેલ કોરિડરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેની પહેલી સર્વિસ 2027ના છેલ્લા ક્વાર્ટરમાં શરૂ થવાની અપેક્ષા છે. આ ટ્રેન મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાંથી પસાર થશે.

આ પ્રોજેક્ટની ખાસિયતોની વાત કરીએ તો, મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે બીકેસી ખાતે જમીનથી અંદાજે 100 ફીટ નીચે એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, જે 10 માળની બિલ્ડિંગ જેટલું ઊંડું છે. આ સ્ટેશનથી થોડે દૂર 3,200 ટન વજનની વિશાળ મશીન દ્વારા થાણે ક્રીક નીચે ખડકો ખોદીને ભારતની પ્રથમ દરિયાઈ રેલ ટનલ બનાવવામાં આવી રહી છે. સમુદ્રની નીચે બનનારી આ 7 કિલોમીટર લાંબી ટનલમાંથી આ બુલેટ ટ્રેન હાઈસ્પીડથી પસાર થશે. આ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડવા સક્ષમ હશે, જ્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચે તે 300 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે.

આ સમગ્ર રૂટ પર મુસાફરોની સુવિધા માટે કુલ 12 સ્ટેશનો પર સ્ટોપ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મુંબઈ બીકેસી, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે દુનિયાની ચોથા ક્રમની સૌથી મોટી રેલવે સેવા છે, જેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધી ફેલાયેલી છે અને હવે આ બુલેટ ટ્રેનના ઉમેરાવાથી ભારતીય રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે.

LATEST ARTICLES