સમગ્ર દુનિયાના રહસ્યોને ઉકેલવા માટે સાયન્ટિસ્ટ્સ અવારનવાર અવનવા પ્રયોગો કરતા રહે છે, જેમાં તાજેતરમાં એટલાન્ટિક ઓશનમાં એક ખૂબ જ રસપ્રદ રિસર્ચ સામે આવ્યું છે. પાણીના પ્રવાહો અને તે દરિયાની અંદર કેવી રીતે હલનચલન કરે છે તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ઓશનમાં 75 કિલોગ્રામ રોહામિન ડાઈ છોડી હતી. મેસાચ્યુસેટ્સના માર્થા વિનયાર્ડની દક્ષિણે 2018ની સાલમાં તારીખ 16-17 ઓગસ્ટ દરમિયાન આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. સાયન્ટિફિક રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, ઓશનની ઉપરની સપાટીના મિક્સ લેયરમાં આ ડાઈ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી, પરંતુ તેનાથી નીચેના ભારે પાણીમાં તે ખૂબ જ ધીમી ગતિએ ઉતરી હતી. દરિયાની અંદર પવન, મોજાં અને કરન્ટ દ્વારા સતત થતી હલનચલન અને તેના સ્તરો વચ્ચેના સીમાંકનને સમજવા માટે આ પ્રયોગ અત્યંત મહત્વનો સાબિત થયો છે.
આ પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ દરિયામાં માત્ર રંગીન પાણી કેવું લાગે છે તે જોવાનો નહોતો, પરંતુ રોહામિન નામના કેમિકલ ટ્રેસરનો ઉપયોગ કરીને દરિયાના પાણીના એક હિસ્સાને ટ્રેક કરવાનો હતો. માર્થા વિનયાર્ડથી આશરે 28 કિલોમીટર દક્ષિણે રિસર્ચ વેસલ આર/વી કનેક્ટિકટ પરથી આશરે 130 ગેલન રોહામિન-ઇથેનોલનું મિશ્રણ દરિયામાં પમ્પ કરવામાં આવ્યું હતું. આ ડાઈને સપાટીના આસપાસના પાણીની ડેન્સિટી મુજબ જ તૈયાર કરવામાં આવી હતી. આશરે 33 કલાકના આ સર્વે દરમિયાન વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ડાઈનો 99% ભાગ સપાટીના મિક્સ લેયરમાં જ સીમિત રહ્યો હતો. આ લેયરમાં વર્ટિકલ ડિફ્યુઝિવિટી આશરે 7 × 10⁻⁴ ચોરસ મીટર પ્રતિ સેકન્ડ નોંધાઈ હતી, જ્યારે તેના પાયાના ભાગમાં (પાયક્નોક્લાઇન) આ રેટ ઘટીને આશરે 5 × 10⁻⁶ ચોરસ મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો હતો. સરળ ભાષામાં કહીએ તો સપાટીના ભાગમાં થતું મિક્સિંગ તેના તળિયાના ભાગ કરતા આશરે 140 ગણું વધારે ઝડપી હતું.
આ અભ્યાસ પરથી એ સ્પષ્ટ થયું છે કે મહાસાગરની સપાટી અને તેના ઊંડાણ વચ્ચે પાણી અને તેમાં ઓગળેલા પદાર્થોની આપ-લે થવી ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે પાણીના અલગ-અલગ સ્તરો અને ડેન્સિટી એક મજબૂત બેરિયર તરીકે કામ કરે છે. સપાટીની નીચે ડાઈનું જવું એ કોઈ કલાકોની રમત નથી પરંતુ દિવસો સુધી ચાલતી ધીમી પ્રક્રિયા છે. મહાસાગરોમાં હીટ, ન્યુટ્રિઅન્ટ્સ અને પોલ્યુટન્ટ્સ કેવી રીતે વહન પામે છે તેના સાયન્ટિફિક મોડલ્સને વધુ સચોટ બનાવવા માટે આ ડાઈ ટેસ્ટના આંકડાઓ અત્યંત ઉપયોગી સાબિત થશે. આગામી સમયમાં આ રિસર્ચના આધારે દરિયાઈ પ્રવાહો અને પર્યાવરણીય બદલાવોને વધુ ઊંડાણપૂર્વક સમજી શકાશે.
