સોમવારે તમિલનાડુના થેની જિલ્લામાં આવેલી થેક્કામપટ્ટી સબ-જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 17 અંડરટ્રાયલ કેદીઓએ ફિલ્મીઢબે જેલમાંથી ભાગી છૂટવામાં સફળતા મેળવી હતી. આ કેદીઓએ જેલના સ્ટાફને ચકમો આપવા માટે એક નવું જ કાવતરું રચ્યું હતું અને રાતના સમયે અચાનક મિર્ગીના હુમલાનો ડોળ કરીને ગાર્ડ્સને સેલ ખોલવા મજબૂર કર્યા હતા. જેવી જેલની અંદર સુરક્ષા માટે તૈનાત ગાર્ડ્સ મદદ માટે અંદર ગયા કે તરત જ કેદીઓ તૂટી પડ્યા હતા અને અચાનક હુમલો કરીને જેલમાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.
આ અચાનક થયેલા હુમલામાં 3 જેલ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ગ્રેડ II પોલીસ કોન્સ્ટેબલ થંગાપાંડીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક જી વિલક્કુની ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 કર્મચારીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સાઉથ ઝોનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિજયેન્દ્ર બિદારીએ ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે 17 સ્પેશિયાલાઈઝ્ડ ટીમો બનાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા 4 કેદીઓમાં પ્રવીણ કુમાર સૌથી પહેલા પકડાયો હતો, જ્યારે સિલમ્બારસન, રાજા સિકંદર અને રાજકુમાર નામના અન્ય 3 કેદીઓને મંગળવારે ચલાવાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન દબોચી લેવાયા છે.
હાલમાં પોલીસે મલ્ટી-ડિસ્ટ્રિક્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને ભાગેડુઓને પકડવા માટે દિગ્દુગલ જિલ્લામાં 16 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. ફરાર થયેલા કેદીઓના ફોટોગ્રાફ્સ અને ઓળખની વિગતો મદુરાઈ, દિગ્દુગલ તેમજ કેરળના ઈડુક્કી જિલ્લાની પોલીસ ટીમો સાથે શેર કરવામાં આવી છે. જે કેદીઓ હજુ પણ પકડાઈ નથી તેમાંના 11 કેદીઓ એકલા મદુરાઈ જિલ્લાના જ છે. જેલની આ સિક્યોરિટી લેપ્સ અને ભાગવાની આખી ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ ચાલી રહી છે, ત્યારે બાકીના ભાગેડુઓને વહેલી તકે ઝડપી લેવા માટે પોલીસ કાફલો કામે લાગ્યો છે.
