ઓનલાઈન વિડિયો અને સ્ટ્રીમિંગ દુનિયામાં દબદબો જમાવી ચૂકેલી કંપની નેટફ્લિક્સે હવે પોડકાસ્ટ માર્કેટમાં પગપેસારો કરવા માટે મોટું પગલું ભર્યું છે. એપલ પોડકાસ્ટમાં પાર્ટનર રિલેશન્સ મેનેજ કરી ચૂકેલા અને તાજેતરમાં જ ડેલાઇટ મીડિયા છોડનાર સ્ટીવ વિલ્સનને નેટફ્લિક્સે શરૂઆતમાં કન્સલ્ટન્ટ તરીકે સામેલ કર્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા જ નેટફ્લિક્સે પોતાના કુલ સ્ટાફમાંથી 6 ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી, જે દર્શાવે છે કે કંપની પોતાના ખર્ચ પર કાપ મૂકીને નવા સેક્ટરમાં રોકાણ કરવા માટે ગંભીર છે.
નેટફ્લિક્સે ગયા વર્ષથી જ ધ બ્રેકફાસ્ટ ક્લબ અને ધ બિલ સિમોન્સ પોડકાસ્ટ જેવા લોકપ્રિય ઓડિયો શોના વિડિયો વર્ઝન પોતાની એપ પર લાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે, આ રણનીતિ સામે સૌથી મોટો પડકાર યુટ્યુબનો છે, કારણ કે નેટફ્લિક્સે શરત મૂકી હતી કે શો લાવનાર ક્રિએટર્સે યુટ્યુબ છોડવું પડશે. યુટ્યુબે પણ આનો જડબાતોડ જવાબ આપીને પોડકાસ્ટ કલાકારોને પ્લેટફોર્મ પર જાળવી રાખવા માટે લાખો ડૉલરની ઓફર કરી છે. આવી સ્થિતિમાં કન્ટેન્ટ ક્રિએટર્સ માટે યુટ્યુબની મોટી ઓડિયન્સ અને રેવન્યુ છોડીને નેટફ્લિક્સ તરફ વળવું જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તાજેતરના એક સર્વે મુજબ અમેરિકાના માત્ર 13 ટકા નેટફ્લિક્સ ઘરોએ જ પ્લેટફોર્મ પર ઓછામાં ઓછી 1 મિનિટ માટે કોઈ પોડકાસ્ટ જોયું છે, જેમાં ધ બ્રેકફાસ્ટ ક્લબ સૌથી લોકપ્રિય સાબિત થયો છે.
કંપનીના સહ-સીઈઓ ટેડ સારેન્ડોસના જણાવ્યા અનુસાર, નેટફ્લિક્સનું કુલ કન્ટેન્ટ ઇન્વેસ્ટમેન્ટ આશરે 20 અબજ ડૉલરનું છે, જેની સામે પોડકાસ્ટ પાછળનો ખર્ચ હજુ ખૂબ જ નાનો છે અને આ બિઝનેસ કંપની માટે એક સામાન્ય ઉમેરો જ છે. જોકે, નેટફ્લિક્સ પોડકાસ્ટના વ્યુઅરશિપ આંકડા જાહેર કરતી નથી, તેથી યુઝર્સનો વાસ્તવિક પ્રતિસાદ શું છે તે હજુ સ્પષ્ટ નથી થયું. આમ છતાં, સ્ટીવ વિલ્સનની એન્ટ્રીથી નેટફ્લિક્સને એ વાતનો ફાયદો ચોક્કસ મળશે કે તેઓ યુટ્યુબ સામે રસાકસીભરી સ્પર્ધામાં પોતાના પોડકાસ્ટ કન્ટેન્ટને વધુ ધારદાર બનાવી શકશે અને નવા ઓડિયન્સને પોતાના પ્લેટફોર્મ તરફ આકર્ષી શકશે.
