યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની પ્લેનરી બેઠકમાં ભારતે યુએન સિક્યોરિટી કાઉન્સિલ એટલે કે સુરક્ષા પરિષદના રિફોર્મ્સને લઈને પોતાનો મજબૂત અવાજ બુલંદ કર્યો છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતમનેત્રીએ સોમવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો કાઉન્સિલમાં માત્ર વીટો પાવર વગરની નવી કાયમી બેઠકોની કેટેગરી બનાવવામાં આવશે, તો તે સભ્યોને સેકન્ડ ક્લાસ સેટસ જેવું લાગશે. આનાથી ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં કોઈ ફેરફાર નહીં થાય અને નિર્ણય લેવાની તમામ તાકાત હાલના 5 દેશોના હાથમાં જ સિમિત રહેશે. ભારતે ન્યાય અને સમાનતાના ધોરણે તમામ કાયમી સભ્યોને સમાન અધિકારો અને જવાબદારીઓ મળવી જોઈએ તેવી માંગ કરી છે.
હાલમાં 15 દેશોની સિક્યોરિટી કાઉન્સિલમાં ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસ એ 5 કાયમી સભ્યો છે જેની પાસે વીટો પાવર છે, જ્યારે 10 બિન-કાયમી સભ્યો 2 વર્ષની મુદત માટે ચૂંટાય છે. ભારતે ઇન્ટર-ગવર્નમેન્ટલ નેગોશિએશન્સની ચર્ચા દરમિયાન ભારપૂર્વક કહ્યું કે 1945માં બનેલી આ સંસ્થા આજના સમયની ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓ સાથે તાલમેલ ધરાવતી નથી. ભારતે હંમેશાં કાયમી અને બિન-કાયમી બંને કેટેગરીના વિસ્તરણની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો સુધારાઓ માત્ર બિન-કાયમી સભ્યોની સંખ્યા વધારવા પૂરતા સીમિત રહેશે તો તે નિષ્ફળતા સમાન ગણાશે.
ભારત લાંબા સમયથી સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી બેઠક માટે મજબૂત દાવો કરી રહ્યું છે અને તેની યોગ્ય જગ્યા માટે અગ્રેસર રહ્યું છે. આ સિવાય ભારતે વર્ષ 2028-29ની ટર્મ માટે બિન-કાયમી બેઠક મેળવવાની પણ દાવેદારી કરી છે, જે માટે આવતા વર્ષે જૂનમાં ચૂંટણી યોજાવાની છે જેમાં ભારત અને તાજિકિસ્તાન વચ્ચે એશિયા-પૅસિફિક ગ્રૂપની એકમાત્ર બેઠક માટે મુકાબલો થશે. અગાઉ ભારતે 2021-22 દરમિયાન કાઉન્સિલમાં પોતાની 8મી ટર્મ પૂરી કરી હતી, જ્યારે તે પહેલાં 1950થી 2012 દરમિયાન અલગ-અલગ 7 વખત ભારત આ મહત્ત્વની કાઉન્સિલનો હિસ્સો રહી ચૂક્યું છે.
