JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

મુંબઈ લોકલ ટ્રેન સેવા ઠપ થતાં 3 લોકોના મોત, 80 ટ્રેનો કેન્સલ

Oct 27, 2026 | 09:40 | By JAMNAGAR MIRROR
મુંબઈ લોકલ ટ્રેન સેવા ઠપ થતાં 3 લોકોના મોત, 80 ટ્રેનો કેન્સલ
કાંજુરમાર્ગ સિગ્નલિંગ હટમાં આગ લાગવા અને ઓવરહેડ વાયરમાં ગરબડના કારણે સેન્ટ્રલ રેલવેનું પતી ગયું હતું. હજારો મુસાફરો કલાકો સુધી અટવાયા હતા અને ટ્રેનો 90 મિનિટ સુધી મોડી દોડી હતી.

સોમવારનો દિવસ મુંબઈગરાઓ માટે કોઈ દુઃસ્વપ્નથી કમ નહોતો રહ્યો, કારણ કે સેન્ટ્રલ રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો હતો. કાંજુરમાર્ગ ખાતે સિગ્નલિંગ હટમાં અચાનક આગ લાગવાની ઘટના અને ઓવરહેડ વાયરમાં સમસ્યા સર્જાવાને કારણે લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ અાફતના કારણે રેલવે તંત્ર દ્વારા કુલ 80 લોકલ ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે અન્ય ટ્રેનો 70 થી 90 મિનિટ સુધીના વિલંબથી દોડી રહી હતી. અઠવાડિયાના પહેલા જ દિવસે સર્જાયેલી આ ગરબડના કારણે નોકરી અને અભ્યાસ માટે જઈ રહેલા હજારો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને સ્ટેશનો પર ભારે ભીડ જામી હતી.

આ અરાજકતા વચ્ચે અલગ-અલગ દુર્ઘટનાઓમાં રેલવે ટ્રેક પર 3 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. મુલુંડમાં રહેતો 21 વર્ષનો સાહિલ થિટે ભાંડુપ સ્ટેશન પર ટ્રેક ઓળંગતી વખતે ઝડપી લોકલ ટ્રેનની અડફેટે આવી ગયો હતો, જેને હોસ્પિટલ ખસેડાતા ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ સિવાય ઘાટકોપર અને વિક્રોલી સ્ટેશન વચ્ચે પણ બે મૃતદેહ મળી આવ્યા હતા, જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ સિગ્નલ ફેલ્યોર સવારે 9.33 વાગ્યે કાંજુરમાર્ગની હટમાં આગ લાગ્યા બાદ થયું હતું, જેના કારણે વિક્રોલી અને ભાંડુપ વચ્ચેના તમામ 6 રૂટ પર 24 સિગ્નલ બંધ થઈ ગયા હતા. મુખ્ય લાઇન અને હાર્બર લાઇન બંને પર અસર પડતાં મુસાફરો ટ્રેનોમાં જ ફસાઈ રહ્યા હતા અથવા તો પાટા પર ચાલીને આગળ વધવા મજબૂર બન્યા હતા.

આ ગંભીર સ્થિતિના કારણે કોલેજોની ઇન્ટરનલ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ પ્રભાવિત થઈ હતી અને મોડા પડવાના ડરે ઘણી કોલેજોએ પરીક્ષાઓ રીશિડ્યુલ કરવી પડી હતી. અટવાયેલા મુસાફરોએ સમયસર પહોંચવા માટે ઓટોરિક્ષા, બસ અને મેટ્રો જેવા વિકલ્પોની મદદ લીધી હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર સાંજે 7.35 વાગ્યા સુધીમાં તમામ સિગ્નલ પૂર્વવત કરી દેવાયા હતા, પરંતુ મોડા પડવાની અસર મોડી રાત સુધી રહી હતી. આ આગ પાછળનું સાચું કારણ જાણવા માટે રેલવે દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે અને કુર્લા જીઆરપી દ્વારા આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરાઈ છે.

LATEST ARTICLES