યુએન જનરલ એસેમ્બલીની ઇન્ટર-ગવર્મેન્ટલ પ્લેનરી બેઠકમાં ભારતે યુએન સિક્યોરિટી કાઉન્સિલના રિફોર્મ અંગે ખુલીને વાત કરી છે. ભારતના પરમેનન્ટ રિપ્રેઝન્ટેટીવ એમ્બેસેડર હરીશ પર્વતનાનેત્રીએ સોમવારે સ્પષ્ટ કર્યું કે જો સુધારાના નામે વીટો પાવર વગરની નવી કાયમી મેમ્બર્સની કેટેગરી ઊભી કરવામાં આવશે, તો તે દેશોને સેકન્ડ ક્લાસ મેમ્બરમાં ફેરવી દેવા જેવું થશે. હાલમાં 15 દેશોની આ સિક્યોરિટી કાઉન્સિલમાં ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસ એમ 5 કાયમી મેમ્બર્સ છે જેની પાસે વીટો પાવર છે, જ્યારે 10 નોન-પર્મેનન્ટ મેમ્બર્સ 2 વર્ષની મુદત માટે ચૂંટાય છે.
ભારતે અગાઉથી જ એ વાત પર ભાર મૂક્યો છે કે જ્યાં સુધી વીટો પાવર અસ્તિત્વમાં છે, ત્યાં સુધી રિફોર્મ થયેલી કાઉન્સિલના તમામ કાયમી મેમ્બર્સ પાસે આ પાવર હોવો અનિવાર્ય છે. વર્ષ 1945માં બનેલી આ કાઉન્સિલ આજની 21મી સદીની ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી, તેથી તેમાં બદલાવ લાવવો જરૂરી છે. માત્ર નોન-પર્મેનન્ટ બેઠકોની સંખ્યા વધારવાથી રિફોર્મનો હેતુ સર નહીં થાય અને જો ફક્ત વગર વીટોના લાંબા ગાળાના મેમ્બર્સ બનાવવામાં આવશે તો તેનાથી ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં કોઈ ફરક નહીં પડે.
આ વૈશ્વિક મંચ પર મોટા ફેરફારોની માંગણી કરવાની સાથેસાથે ભારતે આગામી રણનીતિ પણ સ્પષ્ટ કરી દીધી છે. દેશે 2028-29ની ટર્મ માટે નોન-પર્મેનન્ટ સીટ મેળવવાની દાવેદારી પણ માંગી છે, જેના માટે આવતા વર્ષના જૂન મહિનામાં ઇલેક્શન યોજાવાનું છે જેમાં એશિયા-પેસિફિક ગ્રુપની એકમાત્ર સીટ માટે ભારત અને તાજકિસ્તાન વચ્ચે સ્પર્ધા થશે. અગાઉ ભારત વર્ષ 2021-22 સહિત કુલ 8 વખત કાઉન્સિલમાં રહી ચૂક્યું છે અને આજના બદલાતા સમયમાં વૈશ્વિક શાંતિ તથા ન્યાય માટે ભારત હોર્સશૂ ટેબલ પર કાયમી સીટ મેળવવા માટે સંપૂર્ણ હકદાર છે.
