JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓ પર અત્યાચાર વધ્યા, મિડનાઈટ રેડ અને ખંડણી વસૂલાતથી નાસભાગ

Oct 27, 2026 | 08:50 | By JAMNAGAR MIRROR
પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓ પર અત્યાચાર વધ્યા, મિડનાઈટ રેડ અને ખંડણી વસૂલાતથી નાસભાગ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં ઇમરજન્સી અને ગવર્નર રૂલ લાગુ થયા બાદ અફઘાન શરણાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાત્રે ઘરો પર દરોડા, કારણ વગર ધરપકડ અને પોલીસ દ્વારા લાખોની બૂક માંગવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થયા છે, જેના કારણે છેલ્લા 3 મહિનામાં 27,000 થી વધુ શરણાર્થીઓ અફઘાનિસ્તાન પરત ફર્યા છે.

પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઈમરજન્સી અને ગવર્નર રૂલ લાગુ કર્યા બાદ ત્યાં રહેતા અફઘાન નાગરિકો માટે મુશ્કેલીઓ અસહ્ય બની ગઈ છે. જે પૂર્વ PM ઇમ્રાં ખાનની પાર્ટી પીટીઆઈનો ગઢ ગણાય છે, તે વિસ્તારમાં હવે અફઘાન શરણાર્થીઓ પર અત્યાચાર વધી ગયા છે. પરત ફરનારા અફઘાન નાગરિકોએ એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે પાકિસ્તાની પોલીસ અડધી રાત્રે તેમના ઘરો પર રેડ પાડે છે અને કોઈપણ કારણ વગર તેમની મનસ્વી ધરપકડો કરી રહી છે. સામાન્ય જનજીવન એટલું હદ સુધી પ્રભાવિત થયું છે કે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

શરણાર્થીઓનું દર્દ જગજાહેર કરતા મોહમ્મદ રહેમાન નામના અફઘાને જણાવ્યું કે, તેઓ સારા જીવનની આશાએ પંજાબથી ખૈબર પખ્તુનખ્વા આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. સોહેલ ખાન નામના અન્ય એક પીડિતે જણાવ્યું કે પોલીસ દિવસના સમયે બજારોમાં અને રાત્રે ઘરોમાં દરોડા પાડીને શરણાર્થીઓને હેરાન કરે છે અને જેલમાંથી મુક્ત કરવાના બદલામાં મોટી રકમની લાંચ માંગે છે. નોકરીની જગ્યાઓ પરથી પણ લોકોને ઉઠાવીને અપમાનજનક વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી ડરીને લોકો પાકિસ્તાન છોડવા મજબૂર બન્યા છે.

આ ભારે દબાણ અને અત્યાચારના કારણે છેલ્લા 3 મહિનામાં જ તોર્ખમ બોર્ડર થઈને લગભગ 27,000 અફઘાન શરણાર્થીઓ પોતાના વતન પરત ફરી ચૂક્યા છે. અફઘાનિસ્તાનમાં પાછા ફરતા આ પરિવારોની સહાય માટે ઓમારી ટેમ્પરરી સેટલમેન્ટ ખાતે 12 સમિતિઓ કામ કરી રહી છે. બીજી તરફ, તાલિબાનની આગેવાની હેઠળના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પરત ફરતા લોકોના પુનર્વસન માટે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત 22 પ્રોવિન્સમાં અત્યાર સુધીમાં 74,000 થી વધુ રેસિડેન્શિયલ પ્લોટ વિતરિત કરવામાં આવ્યા છે અને 27 નવા ટાઉનશિપ બનાવીને શરણાર્થીઓને સ્થાયી કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

LATEST ARTICLES