દક્ષિણ કોલકાતાના સરસૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારની સાંજે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના બની હતી. એક 17 વર્ષનો છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથે કિસ કરી રહ્યો હતો ત્યારે છોકરીના પરિવારજનોએ બંનેને પકડી લીધા હતા. આ બાબતે રોષે ભરાયેલા છોકરીના પરિવારજનોએ છોકરા અને તેના મિત્રને એક રૂમમાં બંધ કરીને માર માર્યો હતો અને બાદમાં છોકરાના પિતાને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આખા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
પીડિત પિતાએ મીડિયા સમક્ષ ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમના પર પણ 6 લોકોએ હુમલો કર્યો હતો. છોકરીના મામાએ તેમના હાથમાં ગન આપીને બે ઓપ્શન મૂક્યા હતા કે કાં તો પોતાના દીકરાને ગોળી મારી દો અથવા તો તેની સાથે નગ્ન થઈને રસ્તા પર ચાલો. ભારે અપમાન વચ્ચે પિતા, તેમનો દીકરો અને તેનો મિત્ર નગ્ન હાલતમાં રસ્તા પર ચાલવા મજબૂર બન્યા હતા અને કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાના વિડિયો પણ મોબાઈલમાં રેકોર્ડ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. વિડિયો વાયરલ થતાં જ ગુસ્સે ભરાયેલા લોકોએ છોકરીના ઘર પર તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે પોલીસે સમયસર પહોંચીને મામલો કાબૂમાં લીધો હતો.
આ મામલે છોકરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે BNS ની ગંભીર धाराओं હેઠળ ગુનો નોંધીને છોકરીના માતા-પિતાની ઘરેથી ધરપકડ કરી છે, જ્યારે મામાને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપ્યા હતા. પોલીસ હવે આ કેસમાં વપરાયેલી ગન ક્યાંથી આવી તેની તપાસ કરી રહી છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા મિનિસ્ટર અગ્નિમિત્રા પોલે કહ્યું છે કે આ કિસ્સામાં સંડોવાયેલા કોઈપણ શખ્સને છોડવામાં નહીં આવે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
