બ્રાઝિલમાં તાજેતરની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે, જેમાં પ્રમુખ લુઇસ ઇનાસિયો લુલા દા સિલ્વા સામેના પરાજય બાદ સેનેટર ફ્લેવિયો બોલસોનારો મુશ્કેલીમાં મુકાયા છે. સુપ્રીમ ફેડરલ કોર્ટના જજ અલેક્ઝાન્ડ્રડે મોરેસે એક ગોપનીય આદેશ જારી કરીને ફ્લેવિયોને આગામી 24 કલાકમાં તેમના તમામ પાસપોર્ટ સરન્ડર કરવાનો અને દેશ ન છોડવાનો આદેશ આપ્યો છે. સોમવારે પિતા અને પૂર્વ પ્રમુખ જૈર બોલસોનારોની મુલાકાત લીધા બાદ ફ્લેવિયોએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી કે તેમને રસ્તા પર જ નોટિસ આપીને પાસપોર્ટ જમા કરાવવા અને વિદેશ પ્રવાસ ન કરવા જણાવ્યું છે.
આ કડક કાર્યવાહી પાછળ મની લોન્ડરિંગ અને ગેરકાયદે વિદેશી નાણાકીય લેવડદેવડનો મામલો સામે આવ્યો છે, જેમાં ફ્લેવિયોની સાથે વકીલ વિલેર ટોમાઝ પણ તપાસના ઘેરામાં છે. કોર્ટે ફ્લેવિયોને આ વકીલ સાથે સંપર્ક ન રાખવા પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે. ફ્લેવિયોના ભાઈ એડુઆર્ડો બોલસોનારોએ એક પોડકાસ્ટમાં એવું નિવેદન આપ્યું હતું કે ચૂંટણી હાર્યા બાદ ફ્લેવિયોએ દેશ છોડી દેવો જોઈએ, જે બાદ કોર્ટે આ કડક પગલું ભર્યું છે. જો કે ફ્લેવિયોએ આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે તેમણે ક્યારેય દેશ છોડવાની વાત નથી કરી અને તેઓ ભાગી જવાની કોઈ યોજના ધરાવતા નથી.
ચૂંટણી પરિણામોની વાત કરીએ તો સત્તાવાર આંકડા મુજબ પ્રમુખ લુલાએ 51.79 ટકા વોટ મેળવીને જીત હાંસલ કરી હતી, જ્યારે બોલસોનારોને 48.21 ટકા વોટ મળ્યા હતા. શરૂઆતમાં ચૂંટણી પરિણામો સામે સવાલો ઉઠાવનાર બોલસોનારોની લિબરલ પાર્ટીએ સોમવાર રાત્રે હાર સ્વીકારી લીધી હતી, પરંતુ લોકશાહી માળખામાં સવાલોના સ્પષ્ટતાની માગ કરી હતી. આગામી વર્ષની શરૂઆતમાં ફ્લેવિયોનો સેનેટનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે આ લીગલ મુશ્કેલીઓ અને મની લોન્ડરિંગના કેસોએ તેમની રાજકીય મુશ્કેલીઓમાં મોટો વધારો કર્યો છે.
