JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકામાં ટ્રમ્પના ગોલ્ફ કોર્સ પ્રોજેક્ટ પર કોર્ટની લાલબત્તી, 400 વૃક્ષો કપાયા બાદ જજનું કડક વલણ

Oct 27, 2026 | 08:35 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં ટ્રમ્પના ગોલ્ફ કોર્સ પ્રોજેક્ટ પર કોર્ટની લાલબત્તી, 400 વૃક્ષો કપાયા બાદ જજનું કડક વલણ
અમેરિકાની રાજધાનીમાં આવેલા 106 વર્ષ જૂના ઐતિહાસિક ગોલ્ફ કોર્સના રીનોવેશન પર ફેડરલ કોર્ટે મોટો પ્રતિબંધ લંબાવ્યો છે. પ્રોજેક્ટ દરમિયાન અચાનક 400થી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે, જેના પગલે જજે સરકારને કાનૂની શિસ્ત જાળવવાની કડક તાકીદ કરી છે.

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આવેલા સદી જૂના ઈસ્ટ પોટોમેક ગોલ્ફ કોર્સના રીનોવેશન મામલે ચાલી રહેલા વિવાદમાં ફેડરલ કોર્ટે મોટો હુકમ કર્યો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ આના રેયેસે સોમવારે એક પ્રિલિમિનરી ઈન્જંક્શન જારી કરીને સરકાર પર ગોલ્ફ કોર્સમાં વધુ વૃક્ષો કાપવા કે નુકસાન પહોંચાડવા પર કામચલાઉ પ્રતિબંધ લંબાવી દીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ કેસની કાનૂની લડાઈ ચાલી રહી છે ત્યાં સુધી સરકારે કોર્સના કોઈપણ ભાગમાં કોઈકાયમી ફેરફાર કરતા પહેલા 10 દિવસ અગાઉ લેખિતમાં નોટિસ આપવી પડશે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 18 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર આ 106 વર્ષ જૂના પાર્ક અને કોર્સને 15 મહિના માટે બંધ કરીને રીનોવેશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો વિરોધ ડીસી પ્રિઝર્વેશન લીગ અને બે ગોલ્ફરો દ્વારા કોર્ટમાં કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે હોલિડે વીકેન્ડ દરમિયાન અચાનક કોઈપણ પૂર્વ સૂચના વગર ઓછામાં ઓછા 400 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા, જેને લઈને જજે સરકારી વકીલો અને કર્મચારીઓની ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સરકારે અગાઉ જે વચન આપ્યું હતું તેનાથી વિપરીત જઈને કોઈપણ નોટિસ વગર સેંકડો વૃક્ષો પર બુલડોઝર ફેરવી દીધું, જેના કારણે કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. આ પ્રોજેક્ટ રિપબ્લિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વોશિંગ્ટનના ઐતિહાસિક લેન્ડસ્કેપ પર પોતાની છાપ છોડવાના અભિયાનનો એક ભાગ છે, જેમાં વ્હાઈટ હાઉસમાં વિશાળ બોલરૂમ અને કેનેડી સેન્ટર સાથે જોડાયેલા વિકાસ કાર્યો પણ સામેલ છે. સરકારે જજ આના રેયેસની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવીને તેમને કેસમાંથી હટી જવાની વિનંતી કરી હતી, પરંતુ જજે તેને ફગાવી દીધી હતી.

કોર્ટના આ નિર્ણયને પ્લેન્ટિફ્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ડેમોક્રસી ફોરવર્ડના પ્રેસિડેન્ટ અને સીઈઓ સ્કાઈ પેરીમેને એક મોટી જીત ગણાવી છે અને કહ્યું છે કે આનાથી ઈસ્ટ પોટોમેક પાર્કને વધુ કાયમી નુકસાન થતું અટકશે. કોર્ટે અગાઉ આ પ્રોજેક્ટનું કામ 26 ઓક્ટોબર સુધી સ્થગિત રાખવાનો આદેશ આપ્યો હતો. જજ રેયેસે પોતાના આદેશમાં ટાંક્યું હતું કે તેઓ માત્ર કાયદાના શાસનનું સમર્થન કરે છે અને સરકારની વિરોધાભાસી નિવેદનબાજી અને સોશિયલ મીડિયા પરની ઘોષણાઓ વચ્ચે કોર્ટે હવે ન્યાયિક હસ્તક્ષેપ કરવો જ પડ્યો છે. આગામી સમયમાં કોર્ટમાં આ કેસની વધુ સુનાવણી થશે અને ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે, જ્યારે વ્હાઈટ હાઉસ તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

LATEST ARTICLES