વિયટ્ની એન્ડરસન નામના 45 વર્ષના મહિલાએ પોતાના જીવનનું સૌથી મોટું જોખમ લઈને મિશિગનમાં આવેલા 128 વર્ષ જૂના અને બિનવારસી ચર્ચને માત્ર 45,000 ડૉલરમાં રોકડા આપીને ખરીદી લીધું છે. બાળપણથી જ દાદા-દાદી સાથે ચર્ચમાં જવાના કારણે તેને જૂની ઇમારતો અને ખાસ કરીને કાચની કલાત્મક બારીઓ પ્રત્યે ખાસ લગાવ હતો, જેના કારણે તેણે ન્યૂયોર્કમાં 30 વર્ષથી વધુ સમય વિતાવ્યા બાદ આ અનોખું પગલું ભર્યું. જૂન 2024થી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ચર્ચને ઘરનું રૂપ આપવા માટે તેણે અત્યાર સુધીમાં અંદાજે 1,94,000 ડૉલરનો ખર્ચ કરી નાખ્યો છે અને 2028ના અંત સુધીમાં મોટાભાગનું કામ પૂરું થવાની આશા રાખી રહી છે.
આ પ્રોજેક્ટમાં અનેક મોટા પડકારો સામે આવ્યા હતા કારણ કે બંને ઇમારતોમાં પાણી અને લીકેજની ગંભીર સમસ્યા હતી અને ચર્ચના ફ્લોરમાં 18 ઇંચનો ઢાળ હતો જેને લેવલ કરવા માટે કસ્ટમ 44 ફૂટના બીમ નાખવા પડ્યા હતા. વિયટ્નીએ કોઈ લોન લીધા વિના પોતાની બચતના 2,50000 ડૉલરમાંથી આ મિલકત ખરીદી અને શરૂઆતના દોઢ વર્ષ સુધી તો ત્યાં કોઈ જનતા કે કોન્ટ્રાક્ટર વગર જાતે જ કેમ્પિંગ કરીને ડિમોલિશન, ફ્લોરિંગ, ડ્રાયવોલ અને પેઇન્ટિંગનું ઘણું ખરું કામ જાતે જ સંભાળ્યું. જો કે, રિનવેશન પાછળનો કુલ ખર્ચ વધીને 4,00000 ડૉલર સુધી પહોંચી શકે છે અને આ પ્રોજેક્ટ તેને આર્થિક રીતે પાયમાલ પણ કરી શકે છે કે સધ્ધર બનાવી શકે છે તે અંગે હજુ 50/50 જેવું જોખમ રહેલું છે.
આ અનોખા ઘરને ચર્ચ અને હાઉસ ભેગું કરીને ચાઇઝ નામ આપનાર વિયટ્નીએ જૂની લાકડાની બેન્ચોમાંથી ડાઇનિંગ ટેબલ અને ચેર બનાવ્યા છે તેમજ કિચનમાં કમ્યુનિયન ટેબલનો ઉપયોગ કરીને આઇલેન્ડ તૈયાર કર્યો છે. માર્ચ 2025માં એક ટીવી શો અને સોશિયલ મીડિયાના સપોર્ટથી તેને કિચન કેબિનેટ્સ અને કાઉન્ટરટોપમાં મદદ મળી છે. હાલમાં તેણે પોતાના ફાઇનાન્સને કન્ટ્રોલ કરવા માટે કામ થોભાવ્યું છે અને 2028 કે 2029 સુધીમાં આ જગ્યાએ એક બેડ એન્ડ બ્રેકફાસ્ટ શરૂ કરવાનું આયોજન કર્યું છે, જેથી તે આ જૂની ધરોહરને જીવંત રાખીને લોકોનું સ્વાગત કરી શકે.
