તમિલનાડુની થેની સબ-જેલમાં સોમવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક જ સેલમાં બંધ 17 કેદીઓએ સુવ્યવસ્થિત પ્લાન બનાવીને પોલીસને ચકમો આપ્યો હતો. આ કેદીઓએ સેલની અંદર કોઈ કેદીની તબियत બગડી હોવાનું અને અચાનક ખેંચ કે ફિટ્સ આવ્યાનું નાટક શરૂ કર્યું હતું. આ બનાવની જાણ થતાં જ જેલના કર્મચારીઓ અને ગાર્ડ્સ મદદ માટે તરત જ તે સેલની અંદર દોડી ગયા હતા, પરંતુ અંદર જતાં જ માહોલ બદલાઈ ગયો હતો અને આ કુશળ કાવતરાનો ભોગ બનેલા સ્ટાફ પર કેદીઓએ અચાનક હુમલો કરી દીધો હતો અને જેલમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
આ અચાનક થયેલા હુમલામાં ગ્રેડ 2ના પોલીસ કર્મચારી થાંગાપાંડીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને તુરંત જ જી વિલક્કુની ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 પોલીસ કર્મચારીઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે. બનાવની ગંભીરતા જોતા થેનીના એસપી કે.એસ. પ્રવીણ ગૌતમ દ્વારા જેલ પરિસદની રૂબરૂ મુલાકાત લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને કંદમાનુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સુરક્ષામંદળોની ક્ષતિઓ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાના પગલે દક્ષિણ ઝોનના આઈજી વિજેન્દ્ર બિદારીએ પુષ્ટિ કરી છે કે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 1 ફરાર કેદીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
બાકીના 16 ભાગેડુ કેદીઓને પકડી પાડવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કુલ 17 સ્પેશિયલ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. પડોશી દીંડુગુલ જિલ્લાના એસપી એસ. જયકુમારના જણાવ્યા અનુસાર સાવચેતીના ભાગરૂપે દીંડુગુલમાં 16 જગ્યાઓ પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને વાહનોની સઘન તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત મધુરાઈ, ઇડુક્કી અને વિલ્લુપુરમ જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરીને ભાગી ગયેલા કેદીઓના ફોટોગ્રાફ્સ વાયરલ કરવામાં આવ્યા છે અને રૂટ પર નજર રાખવામાં આવી રહી છે જેથી તમામ આરોપીઓ જલદી કાયદાની પકડમાં આવી શકે.
