ચીને ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાંથી બુલ સીમેનની આયાત ફરીથી શરૂ કરી દીધી છે. વર્ષો પહેલાં ટ્રેડ રિસ્ટ્રિક્શન અને રાજકીય તણાવને કારણે ચીને અમેરિકા, યુરોપ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાંથી પશુ જિનેટિક્સની આયાત લગભગ બંધ કરી દીધી હતી. આ સપ્લાય ચેઈન અટકવાને કારણે ચીની પ્રોડક્ટર્સ એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે ગેરકાયદેસર રીતે સ્મગલિંગ દ્વારા સીમેન અને પશુઓ મંગાવવા શરૂ કર્યા હતા. હવે ચીન પોતાના નબળા અને ઓછું ઉત્પાદન આપતા પશુધનનો વિકાસ કરવા, બીફ અને ડેરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન વધારવા અને આયાતનો મોટો ખર્ચ ઘટાડવા માટે ફરીથી વૈશ્વિક માર્કેટમાં સક્રિય થયું છે. આ દિશામાં ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી શિપમેન્ટ વધારવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં અમેરિકા તથા બ્રિટન પણ મંજૂરી મેળવી શકે તેમ છે.
આયાત શરૂ થયા બાદ ચીન સરકાર દ્વારા ગુણવત્તા માટે અત્યંત કડક ધોરણો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ માત્ર તે જ બૂલનું સીમેન આયાત કરી શકાશે જે પોતાના ઓરિજિન દેશના ટોપ 10 ટકા પશુઓમાં સામેલ હોય. ઓસ્ટ્રેલિયાની ફેસિલિટીમાં રહેતા 'યુટોપિયા' જેવા પ્રીમિયમ અંગસ બૂલનું સીમેન લિક્વિડ નાઈટ્રોજનમાં ફ્રીઝ કરીને પ્લાસ્ટિક સ્ટ્રો દ્વારા ચીન મોકલવામાં આવી રહ્યું છે. તાજા આંકડા મુજબ ઓગસ્ટ સુધીમાં ચીને ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી કુલ 92,573 સ્ટ્રો સીમેન આયાત કર્યું છે, જેની કિંમત આશરે 700,000 ડોલર થાય છે. ચીની કસ્ટમ ડેટા મુજબ અગાઉના પ્રતિબંધો પહેલાં દર વર્ષે આશરે 10 મિલિયન સ્ટ્રો આયાત થતા હતા, જેની સામે આ આંકડો હજુ ઘણો ઓછો છે, પરંતુ બિઝનેસ હવે ઝડપથી આગળ વધી રહ્યો છે. યુએસ કંપનીઓ પણ આ માર્કેટમાં મોટો હિસ્સો ધરાવે છે અને ટૂંક સમયમાં અમેરિકન માર્કેટ પણ ખુલે તેવી ઉદ્યોગ જગતમાં આશા છે.
ચીનનું અંતિમ લક્ષ્ય માત્ર આયાત પૂરતું સીમિત રહેવાનું નથી, પરંતુ પોતાની ટેકનોલોજી વિકસાવીને ભવિષ્યમાં આયાતકારમાંથી નિકાસકાર બનવાનું છે. જોકે પશુ જિનેટિક્સના મામલે પશ્ચિમી દેશો હજુ પણ ચીન કરતા ઘણા આગળ છે અને ચીની ફાર્મ્સ હંમેશાં શ્રેષ્ઠ ક્વોલિટીની જ માંગ કરે છે. ચીનનો મિડલ ક્લાસ વર્ગ હવે પ્રીમિયમ બીફ અને ડેરી પ્રોડક્ટ્સ વધુ પસંદ કરી રહ્યો છે, જેથી વર્ષ 2024 સુધીમાં ચીની ગ્રાહકોએ એક દાયકા અગાઉની સરખામણીમાં લગભગ બમણું બીફ અને 30 ટકા વધુ ડેરી પ્રોડક્ટ્સનો વપરાશ કર્યો છે. હાલમાં આ કડક સ્ક્રિનિંગ અને 4 મહિનાથી વધુ લાંબી રિવ્યુ પ્રોસેસને કારણે સીમેનનો પ્રવાહ ધીમો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન કંપની ABS જેવી મોટી ફોર્મ્સ આગામી વર્ષમાં ચીન માટે લાખો સ્ટ્રો સપ્લાય કરવાની યોજના બનાવી રહી છે.
