JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

રેલવે ટિકિટ કાઉન્ટર પર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત બન્યું

Oct 27, 2026 | 07:05 | By JAMNAGAR MIRROR
રેલવે ટિકિટ કાઉન્ટર પર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત બન્યું
રેલવે બોર્ડના નવા નિયમ મુજબ હવે ટિકિટ કાઉન્ટર પરથી વૈકલ્પિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવા માટે 27 ઓક્ટોબરથી માત્ર ડિજિટલ માધ્યમથી જ પેમેન્ટ કરવું પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે અને રોકડમાં વીમા પ્રીમિયમ સ્વીકારવામાં આવશે નહીં.

જો તમે ટ્રેનની મુસાફરી માટે રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ કઢાવો છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. રેલવે બોર્ડ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ જો તમે ટિકિટ બુક કરતી વખતે વૈકલ્પિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સનો વિકલ્પ પસંદ કરશો, તો તમારે 27 ઓક્ટોબરથી વીમા પ્રીમિયમ સહિતની રકમનું ચુકવણું ફરજિયાતપણે ડિજિટલ માધ્યમથી જ કરવું પડશે. રેલવે બોર્ડે એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે હવે વીમાનું પ્રીમિયમ રોકડમાં એટલે કે કેશમાં સ્વીકારવામાં આવશે નહીં.

આ નવો ફેરફાર સુપ્રીમ કોર્ટના 6 ઓક્ટોબરના આદેશ બાદ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં વીમા પ્રીમિયમ માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, 5, 10, 20 અને 25 પૈસાના સિક્કા હવે વ્યવહારમાં કાયદેસરનું ચલણ નથી, અને વીમાનું પ્રીમિયમ નાના આંકડામાં હોવાથી તેનો રોકડ વ્યવહાર શક્ય બનતો નથી. અગાઉ આ સુવિધા ફક્ત IRCTC ની વેબસાઇટ કે એપ દ્વારા ઓનલાઇન ટિકિટ બુક કરનારાઓ માટે જ હતી, પરંતુ હવે રેલવે બોર્ડે 24 ઓક્ટોબર 2026 ના પત્ર દ્વારા તમામ ઝોનલ રેલવેને સૂચના આપીને તેને PRS ટિકિટ કાઉન્ટર સુધી વિસ્તારી દીધી છે, જેના માટે CRIS દ્વારા જરૂરી સૉફ્ટવેર પણ અપડેટ કરી દેવામાં આવ્યા છે.

નવા નિયમો અનુસાર જો મુસાફરો ટિકિટ કેન્સલ કરાવે છે, તો નિયમિત ચાર્જ ઉપરાંત 45 પૈસાના વીમા પ્રીમિયમમાંથી 9 પૈસા કાપવામાં આવશે. CRIS અને IRCTC ના તાલમેલથી દેશના તમામ કાઉન્ટરો પર આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે અને તમામ ઝોનલ રેલવેને 27 ઓક્ટોબરથી જ કાઉન્ટર પરથી ડિજિટલ પેમેન્ટ દ્વારા જ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આપવાની વ્યવસ્થા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. રેલવે તંત્રના આ પગલાથી ડીઝીટલ લેવડદેવડને મોટું પ્રોત્સાહન મળશે અને મુસાફરોને પણ પારદર્શક સેવા મળી રહેશે.

LATEST ARTICLES