યુરોપિયન દેશોમાં બિઝનેસ જગત પર વધી રહેલા કાયદાકીય નિયમોના ભારણને લઈને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે મોટું નિવેદન આપ્યું છે. નેધરલેન્ડ્સના હેગ ખાતે યોજાયેલા ઇન્ડિયા-નેધરલેન્ડ્સ બિઝનેસ ફોરમમાં બોલતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દુનિયાભરના બિઝનેસમેનો હવે વધુ સ્વતંત્રતા, ઓછા કમ્પ્લાયન્સ બર્ડન અને સરળ પ્રક્રિયાઓ ઇચ્છે છે. તેમણે કહ્યું કે બિઝનેસ જગત પેપરવર્ક અને અટપટા નિયમોથી છુટકારો મેળવવા માંગે છે અને તેઓ આ મુદ્દો અગાઉ બર્લિન ગ્લોબલ ડાયલોગમાં પણ રજૂ કરી ચૂક્યા છે, જ્યાં તેમણે EU ના કાર્બોન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ (CBAM) ની યુરોપિયન ઇન્ડસ્ટ્રીઝ પર પડતી વિપરીત અસરો વિશે વાત કરી હતી.
આ ફોરમમાં નેધરલેન્ડ્સના વિદેશી વેપાર અને વિકાસ સહયોગ મંત્રી સ્યોર્ડ સ્યોર્ડ્સમાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે યુરોપિયન કમિશન હાલમાં ડિક્રિગ્યુલેશન એટલે કે નિયમો હળવા કરવા પર કામ કરી રહી છે, પરંતુ સાથેસાથે ક્લાઇમેટ, પ્રોડક્ટ ક્વોલિટી અને કન્ઝ્યુમર સેફ્ટી જેવા મામલામાં ગ્રાહકોના રક્ષણ માટે કેટલાક નિયમો અત્યંત મહત્વપૂર્ણ છે અને તેને જાળવી રાખવા જરૂરી છે. જો કે, સ્યોર્ડ્સમાએ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે CBAM ને અનિવાર્ય ગણાવતા તેમાં કોઈ ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો, જે દર્શાવે છે કે યુરોપિયન યુનિયન તેના નીતિગત વલણ પર અડગ છે.
આ ચર્ચા વચ્ચે પીયૂષ ગોયલે ભારતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કર્યું હતું. તેમણે ભારતની મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ, યુવા વર્કફોર્સ, કન્ઝ્યુમર માર્કેટ અને ક્લીન એનર્જી સેક્ટરનો ઉલ્લેખ કરીને ડચ કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે ખાસ જણાવ્યું કે ભારતમાં પાવર કેપેસિટી અને ક્લીન એનર્જીનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે ડેટા સેન્ટર્સ અને એનર્જી-ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝમાં આગામી વર્ષોમાં આશરે 200 અબજ ડોલર સુધીના રોકાણની મોટી તકો ઊભી થઈ રહી છે.
