છેલ્લા 6 દિવસથી ટ્રાફિક જામ અને રૂટ ડાયવર્ઝનનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે સોમવારની સાંજે રાહતના સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ તરફથી આવતા અને વસંત વિહાર તથા સાઉથ દિલ્હીને જોડતો જાણીતો ઓલ્ડ રાવ તુલા રામ (RTR) ફ્લાઈઓવર હવે ફરીથી હળવા વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગત 20 ઓક્ટોબરે આ ફ્લાઈઓવરના માર્ગ પર તિરાડો (ક્રેક્સ) જોવા મળ્યા બાદ તેને અચાનક બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે એરપોર્ટ, ગુરુગ્રામ અને દ્વારકાથી સાઉથ દિલ્હી તરફ જતા વાહનચાલકોએ ભારે ટ્રાફિક જામ અને લાંબી કતારોનો સામનો કરવો પડ્યો હતો.
આ મામલે દિલ્હી ટ્રાફિક પોલીસના જવાનોએ 2 સ્થળોએ ક્રેક્સ જોયા બાદ PWDને એલર્ટ કર્યું હતું, ત્યારબાદ તપાસ કરતા ગેપ સ્લેબ સેક્શનમાં કોંક્રિટ ખરાબ થવાનું, દેખાતી તિરાડો અને લોખંડના સળિયા બહાર આવી ગયા હોવાનું સામે આવ્યું હતું. સોમવારે સાંજે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) મંત્રી પરવેશ વર્માએ વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને રિપેરિંગ કરેલા હિસ્સાનું નિરીક્ષણ કર્યું હતું અને સોમવાર સાંજથી જ ફ્લાઈઓવર હળવા વાહનો માટે ખુલ્લો કરવાની જાહેરાત કરી હતી. હાલ પૂરતો આ નિર્ણય લેવાયો છે જેમાં ફક્ત કાર, ટુ-વ્હીલર્સ અને અન્ય હળવા વાહનો જ પસાર થઈ શકશે, જ્યારે 2009માં બનેલા આ ફ્લાઈઓવરનું સ્ટ્રક્ચરલ ઓડિટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રક જેવા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ યથાવત રહેશે.
ફ્લાઈઓવર ફરી શરૂ થવાથી આ વ્યસ્ત કોરિડોર પર ટ્રાફિકનું ભારણ ચોક્કસપણે ઘટશે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર પૂરતી સાવચેતી રાખી રહ્યું છે. ભારે વાહનો અંદર ન જાય તે માટે PWD દ્વારા હાઈટ બેરિયર લગાવવામાં આવી રહ્યા છે અને ટ્રાફિક પોલીસના વધારાના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. અંદાજે 17 વર્ષ જૂના આ ફ્લાઈઓવરની વર્તમાન સ્થિતિ ચકાસવા અને ભવિષ્યમાં કોઈ મોટા મજબૂતીકરણ કે રિપેરિંગની જરૂર છે કે નહીં તે નક્કી કરવા માટે આખું સ્ટ્રક્ચરલ ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે.
