ચેન્નાઈ સહિત સમગ્ર તામિલનાડુમાં દારૂના શોખીનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં દારૂનું વેચાણ કરતી સરકારી સંસ્થા તાસમાક દ્વારા એક સખત આદેશ જારી કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી 1 નવેમ્બરથી ₹1,000 થી વધુની ખરીદી પર રોકડ રૂપિયા સ્વીકારવામાં આવશે નહીં. આટલું જ નહીં, પરંતુ 1 જાન્યુઆરી, 2027 થી આ મર્યાદા ઘટાડીને માત્ર ₹500 કરી દેવામાં આવશે. લાંબા સમયથી દુકાનો પર MRP કરતાં વધુ નાણાં વસૂલવાની ફરિયાદો અને અગાઉ ક્યૂઆર કોડ આધારિત પેમેન્ટના પ્રયોગો નિષ્ફળ ગયા બાદ, તંત્ર દ્વારા કેશ વ્યવહારોને ઘટાડવા માટે આ આક્રમક પગલું ભરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં ફેલાયેલી આશરે 4,048 તાસમાક આઉટલેટ્સ પર આ નિયમ સખતાઈથી લાગુ કરવામાં આવશે. દુકાનના કર્મચારીઓ એમઆરપી કરતાં વધુ રૂપિયા ન વસૂલે અને હિસાબમાં કોઈ ગરબડ ન થાય તે માટે જિલ્લા મેનેજરોને દરેક સ્ટોર પર સત્તાવાર બેંક સાથે જોડાયેલી પીએસ મશીનો ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ મશીનમાં ખરાબી આવે તો તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવી પડશે. ખાસ કરીને કર્મચારીઓ પોતાના અંગત યુપીઆઈ ક્યૂઆર કોડ કે બેંક એકાઉન્ટમાં પેમેન્ટ નહીં લઈ શકે, અને નિયમ તોડનાર સામે કડક ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે.
આ નવા નિર્દેશોથી ગ્રાહકોને વધુ એક ફાયદો એ થશે કે હવે દરેક ખરીદી પર પક્કું બિલ મળશે, જે અગાઉ હંમેશાં અધૂરું રહેતું હતું. દુકાનો પર સ્પષ્ટ નોટિસો લગાવીને ગ્રાહકોને પેમેન્ટના આ નવા નિયમો અને ફરિયાદ માટેનો ટોલ-ફ્રી નંબર 1800 889 2015 પણ દર્શાવવા કહેવાયું છે. આ ઉપરાંત, ગ્રાહકો ઓનલાઈન લિકર એડવાન્સ બુકિંગ ફેસિલિટીનો ઉપયોગ કરીને પણ ડિજિટલ પેમેન્ટ કરી શકે છે અને રૂબરૂ જઈને પોતાની બોટલો કલેક્ટ કરી શકે છે. તંત્રના આ કડક રૂખથી દારૂના વેચાણમાં પારદર્શિતા આવશે તેવી પૂરી આશા છે.
