દિલ્હીના શાહદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વકીલ પર થયેલા જીવલેણ હુમલા અને પોલીસના વર્તનને લઈને વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદના પગલે દિલ્હીની તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ આવતીકાલે એટલે કે 27 ઓક્ટોબરે એક દિવસ માટે બંધ રહેશે અને વકીલો ન્યાયિક કામકાજથી અલિપ્ત રહેશે. દિલ્હી બાર એસોસિએશન્સની કોઓર્ડિનેશન કમિટી દ્વારા આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, જેણે પોલીસ અને વકીલો વચ્ચેના તણાવને ચરમસીમાએ પહોંચાડી દીધો છે.
આ સમગ્ર માની શરૂઆત એફઆઈઆર નંબર 0248/2026થી થઈ હતી, જેમાં એડવોકેટ લલિત બંસલ પર હુમલો થવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. એડવોકેટ અમુલ્ય રતન આ કેસના ફરિયાદી છે. 23 ઓક્ટોબરની સાંજે વકીલો આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં એસીપી અને એસએચઓ દ્વારા આરોપીઓની ધરપકડ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ 24 ઓક્ટોબર સુધી આરોપીઓની ધરપકડ ન થતાં અને તેમને છોડી મુકવામાં આવ્યા હોવાની માહિતી મળતા વકીલો ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આરોપ છે કે આ દરમિયાન એસીપી માનસ્વી વશિષ્ઠે પોતાની રિવોલ્વર બતાવીને ત્યાં હાજર વકીલોને ધમકી આપી હતી અને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર ઘટના બાદ 26 ઓક્ટોબરે વિડિયો કોન્ફરન્સ દ્વારા મળેલી ઇમરજન્સી મીટિંગમાં કોઓર્ડિનેશન કમિટીએ આ હડતાળનો નિર્ણય લીધો હતો.
કમિટીએ નિષ્પક્ષ તપાસ થાય ત્યાં સુધી એસીપી અને સંબંધિત એસએચઓને તરત જ સસ્પેન્ડ કરવાની કડક માંગ કરી છે. વકીલોનું એવું પણ કહેવું છે કે 26 ઓક્ટોબરે બારના સભ્યો સામે પણ એફઆઈઆર નંબર 0252/2026 નોંધી દેવામાં આવી છે, જે અત્યંત ચિંતાજનક છે. પોલીસ કર્મચારીઓ દ્વારા વકીલ આલમ સાથે સતત થઈ રહેલા આ પ્રકારના વર્તન સામે આ હડતાળ એક સામૂહિક વિરોધ અને એકતાનું પ્રતીક છે. આ અંગેની જાણ દિલ્હી હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ, પોલીસ કમિશનર અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજને પણ મોકલી આપવામાં આવી છે.
