JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

માઈક્રોસોફ્ટનો મોટો નિર્ણય, ભારત સહિત 4 દેશોમાં 60,000 કર્મચારીઓને વીઈઓ ઓફર કરાઈ

Oct 26, 2026 | 22:38 | By JAMNAGAR MIRROR
માઈક્રોસોફ્ટનો મોટો નિર્ણય, ભારત સહિત 4 દેશોમાં 60,000 કર્મચારીઓને વીઈઓ ઓફર કરાઈ
ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે ભારત, અમેરિકા, યુકે અને કેનેડાના અંદાજે 60,000 કર્મચારીઓ માટે સ્વૈચ્છિક રાજીનામાની ખાસ સ્કીમ જાહેર કરી છે. લેવલ 70 સુધીના કર્મચારીઓ માટે આવેલી આ ઓફરમાં ઉંમર કે નોકરીના વર્ષોની કોઈ શરત રાખવામાં આવી નથી અને કર્મચારીઓએ ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં નિર્ણય લેવાનો રહેશે.

વૈશ્વિક ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે આ વર્ષે કર્મચારીઓ માટે વધુ એક મોટું પગલું ભરતા ભારત, અમેરિકા, યુકે અને કેનેડામાં અંદાજે 60,000 કર્મચારીઓ માટે વોલેન્ટરી એક્ઝિટ ઓફર એટલે કે વીઈઓ જાહેર કરી છે. કંપનીના ચીફ પીપલ ઓફિસર એમી કોલમેન દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા મેમોમાં આ જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમ કંપનીના કુલ અંદાજે 223,000 કર્મચારીઓમાંથી એક ચોથા ભાગ કરતા વધુને આવરી લે છે. માઈક્રોસોફ્ટના આંતરિક સ્કેલ મુજબ લેવલ 70 સુધીના કર્મચારીઓ આ ઓફર માટે પાત્ર બનશે, જેમાં જનરલ મેનેજર્સ અને વાઇસ પ્રેસિડેન્ટ ટાઇટલ ધરાવતા કેટલાક સ્ટાફનો પણ સમાવેશ થાય છે. અગાઉ આ વર્ષની શરૂઆતમાં આવેલી રિટાયરમેન્ટ બાયઆઉટ પ્રોગ્રામથી આ ઓફર તદ્દન અલગ છે કારણ કે તેમાં કોઈ ઉંમર કે ટેન્યોરની મર્યાદા નથી અને પરફોર્મન્સ પણ કોઈ ભૂમિકા ભજવતું નથી.

આ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા કર્મચારીઓને ટૂંક સમયમાં જ વ્યક્તિગત શરતો સાથેનો ઈમેલ મળી જશે અને તેમણે ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં નક્કી કરવાનું રહેશે કે આ ઓફર સ્વીકારવી છે કે નહીં, જ્યારે ઓફર સ્વીકારનાર કર્મચારીઓ વર્ષના અંત સુધીમાં નોકરી છોડી દેશે. આ પેકેજ કંપનીના સ્ટાન્ડર્ડ સેવરન્સ મુજબ જ ચૂકવવામાં આવશે, જેમાં બેઝ પે, સ્ટોક વેસ્ટિંગ, નિશ્ચિત સમય માટે હેલ્થકેર અને કરિયર ટ્રાન્ઝિશન સપોર્ટનો સમાવેશ થાય છે. જો કે, સેલ્સ, માર્કેટિંગ, કોમર્શિયલ બિઝનેસ, સિક્યુરિટી અને ડિસ્કવરી તથા ક્વોન્ટમ જેવી કેટલીક ટીમોને આમાંથી બહાર રાખવામાં આવી છે, જ્યારે કોપાયલોટ, કોરએઆઈ, વિન્ડોઝ પ્લસ ડિવાઈસિસ, એક્સબોક્સ, ફાઇનાન્સ અને એચઆર આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. ક્લાઉડ પ્લસ એઆઈ અને માઈક્રોસોફ્ટ એઆઈ આંશિક રીતે સામેલ છે.

કંપની ડેટા સેન્ટર્સ અને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો ડૉલર ખર્ચી રહી છે ત્યારે ઓપરેટિંગ કોસ્ટ નિયંત્રણમાં રાખવા પર મોટું દબાણ છે. જો કે કંપનીનું કહેવું છે કે આ બાયઆઉટ એ વાતની નિશાની નથી કે તેને ઓછા લોકોની જરૂર છે કે પછી તે લેઓફનું સ્થાન લેશે, કારણ કે લેઓફ યથાવત રહેવાના છે. અગાઉ જુલાઈમાં માઈક્રોસોફ્ટે 4,800 નોકરીઓ કાપી હતી અને આ વર્ષની શરૂઆતમાં 15,000થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા હતા. 60,000 કર્મચારીઓમાંથી કેટલા લોકો આ ડીલ સ્વીકારે છે તેના પરથી નક્કી થશે કે કંપની ભવિષ્યમાં આવા સ્વૈચ્છિક એક્ઝિટ પ્રોગ્રામ નિયમિત કે વાર્ષિક ધોરણે ચાલુ રાખશે કે કેમ.

LATEST ARTICLES