JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પશ્ચિમ બંગાળની કોલસા ખાણમાં લિફ્ટ બગડતા અનેક કામદારો ફસાયા

Oct 26, 2026 | 23:37 | By JAMNAGAR MIRROR
પશ્ચિમ બંગાળની કોલસા ખાણમાં લિફ્ટ બગડતા અનેક કામદારો ફસાયા
પશ્ચિમ બંગાળના પાશ્ચિમ બર્ધમાન જિલ્લામાં પુલી સિસ્ટમમાં ખરાબી સર્જાતા જમીનથી 50 મીટર નીચે કામદારો ફસાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

સોમવારે પશ્ચિમ બંગાળના પાશ્ચિમ બર્ધમાન જિલ્લામાં આવેલા કુમરડીહી A ભૂગર્ભ કોલસા ખાણમાં એક મોટી ટેક્નિકલ દુર્ઘટના સર્જાઈ હતી. ખાણમાં કામદારોને ઉપર-નીચે લાવવા લઈ જવા માટે વપરાતી લિફ્ટની પુલી સિસ્ટમમાં અચાનક ટેક્નિકલ ખરાબી સર્જાઈ હતી, જેના કારણે લિફ્ટનું હલનચલન બંધ થઈ ગયું હતું અને અંદર કામ કરી રહેલા અનેક કામદારો અંદર જ ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

આ ઘટના વિશે વિગતવાર માહિતી આપતા ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ECL) ના CMD સતીષ ઝાએ જણાવ્યું હતું કે પુલી ડ્રમમાંથી દોરડું સરકી જવાના કારણે આ અકસ્માત થયો હતો. ફસાયેલા તમામ કામદારો જમીનથી અંદાજે 50 મીટરની ઊંડાઈએ ફસાયા છે, જ્યારે આ પુલી સિસ્ટમ લગભગ 90 મીટર સુધી લંબાયેલી છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તંત્ર દ્વારા અંદર ફસાયેલા કામદારો સુધી પાઇપ કે અન્ય માધ્યમથી ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને પાણી પહોંચાડી દેવામાં આવ્યા છે તેમજ ખાણમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અથવા વેન્ટિલેશનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે.

આ સમગ્ર માને લઈને ચીફ મિનિસ્ટર સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. એસીએલ ઓથોરિટી દ્વારા રાજ્ય સરકારને આ બાબતે જાણ કરવામાં આવ્યા બાદ ફસાયેલા કામદારો સાથે સતત કોમ્યુનિકેશન જાળવી રાખવામાં આવ્યું છે. આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનર, પાશ્ચિમ બર્ધમાન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ચીફ સેક્રેટરી અને હોમ સેક્રેટરી આ મામલે સતત સંપર્કમાં છે અને એસીએલ દ્વારા ટેક્નિકલ ખામી સુધારવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેથી તમામ કામદારોને હેમખેમ બહાર કાઢી શકાય.

LATEST ARTICLES