JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની કડક ચેતવણી, પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને તરત જ હોસ્ટેલ અને કેમ્પસ ખાલી કરવાનો આદેશ

Oct 26, 2026 | 23:37 | By JAMNAGAR MIRROR
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની કડક ચેતવણી, પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને તરત જ હોસ્ટેલ અને કેમ્પસ ખાલી કરવાનો આદેશ
યુનિવર્સિટીએ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને ગુલિસ્તાન-એ-ગાલિબ બિલ્ડિંગ ખાલી કરવા માટે ફાઇનલ વોર્નિંગ આપી છે. શિસ્તભંગના ડર વચ્ચે તમામ અભ્યાસક્રમોના ક્લાસીસ આગામી આદેશ સુધી ઓનલાઈન ચલાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

દિલ્હીની પ્રખ્યાત જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે, જ્યાં યુનિવર્સિટી પ્રશાસને નોર્થ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કડક શબ્દોમાં ફાઇનલ વોર્નિંગ આપી દીધી છે. પ્રશાસને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓ તરત જ ગુલિસ્તાન-એ-ગાલિબ બિલ્ડિંગ અને ગાલિબ લૉન ખાલી કરી દે, નહીં તો તેમની સામે કડક શિસ્તભંગ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જે બિલ્ડિંગ ખાલી કરવાનો આદેશ અપાયો છે ત્યાં પોલિટિક્સલ સાયન્સ અને ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ આવેલા છે, અને પ્રશાસનનું કહેવું છે કે વિદ્યાર્થીઓના કારણે યુનિવર્સિટીની શૈક્ષણિક ગતિવિધિઓમાં ભારે અડચણ ઊભી થઈ રહી છે. આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ કોર્સના ક્લાસીસ માત્ર ઓનલાઈન જ ચલાવવાનો મોટો નિર્ણય લીધો છે.

આ વિવાદની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, વિદ્યાર્થીઓ વર્ષ 2006થી બંધ થયેલી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણી ફરીથી શરૂ કરવાની માંગ સાથે 14 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. અગાઉ 26 ઓક્ટોબરના રોજ પ્રશાસને યુનિયનનું સંવિધાન મંજૂર થયાના 15 દિવસમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી અને આંદોલનકારીઓ સામેના સસ્પેન્શન પાછા ખેંચવાની સાથે સુરક્ષાકર્મીઓની તપાસ માટે કમિટી બનાવવાની પણ બાંહેધરી આપી હતી. બદલામાં વિદ્યાર્થીઓએ એડમિનિસ્ટ્રેશન સામે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવાની હતી, પરંતુ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે પ્રશાસનના નિવેદનમાં સંવિધાન મંજૂર કરવાની કે ચૂંટણી યોજવાની કોઈ ચોક્કસ તારીખ કે ટાઇમલાઈન આપવામાં આવી નથી.

વિદ્યાર્થીઓનું આંદોલન હજુ પણ યથાવત છે અને ભૂખ હડતાલ પર બેઠેલા વિદ્યાર્થીઓએ પણ પોતાનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં પ્રોક્ટર અને સેફ્ટી એડવાઈઝરનું રાજીનામું સામેલ છે, અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી લેખિતમાં સ્પષ્ટ આશ્વાસન નહીં મળે ત્યાં સુધી તેમનું આ આંદોલન પૂરું નહીં થાય. યુનિવર્સિટી પ્રશાસન અને વિદ્યાર્થીઓ વચ્ચેની આ ખેંચતાણને કારણે કેમ્પસમાં તણાવનો માહોલ છે અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આગામી સમયમાં આ મામલો શાંત પડે છે કે પછી પ્રશાસન કાયદાકીય પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

LATEST ARTICLES