JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગરના ઢીંચડા રીંગરોડ પર ઘર બહાર બેસેલા મહિલાના ગળામાંથી 70 હજારનો સોનાનો ચેઈન ઝૂંટવાયો

Oct 26, 2026 | 23:38 | By JAMNAGAR MIRROR
જામનગરના ઢીંચડા રીંગરોડ પર ઘર બહાર બેસેલા મહિલાના ગળામાંથી 70 હજારનો સોનાનો ચેઈન ઝૂંટવાયો
જામનગરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રાત્રિના સુમારે ઘરની બહાર બેસેલા 45 વર્ષીય મહિલાને નિશાન બનાવી બે શખ્સો સોનાના ચેઈનનો કટકો લૂંટીને ફરાર થઈ ગયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ઢીંચડા રીંગરોડ પર આવેલા તિરૂપતિ પાર્ક-1 વિસ્તારમાં સુરક્ષા સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં શનિવારે રાત્રે પોતાના જ ઘરની બહાર આરામથી બેસેલા એક મહિલાને ટાર્ગેટ કરીને અજાણ્યા તસ્કરો સોનાના દાગીનાની ચીલઝડપ કરીને નાસી છૂટ્યા હતા. શનિવારે રાત્રે પોણા નવેક વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. અચાનક બનેલી આ ઘટનાને કારણે ભોગ બનનાર મહિલા અને તેનો પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.

આ બનાવની વિગત મુજબ, તિરૂપતિ પાર્ક-1માં વિશાલ કોમ્પલેક્ષ સામે રહેતા 45 વર્ષીય મમતાબેન અરવિંદભાઈ શનિવારે રાત્રે પોતાના ઘરની બહાર ખુરશી નાખીને બેઠા હતા, તે દરમિયાન એક શખ્સ ત્યાંથી ચાલીને પસાર થયો હતો અને તેનો સાગરીત કાળા રંગના બાઈક સાથે નજીકમાં જ તૈયાર હતો. ચાલીને આવેલા શખ્સે અચાનક જ મમતાબેનના ગળા પર હાથ નાખીને સોનાના ચેઈન પર ઝૂંટ મારી હતી, જેના કારણે ચેઈન તૂટી ગયો હતો અને 7 ગ્રામ વજનના સોનાના ચેઈનનો કટકો તસ્કરોના હાથમાં આવી ગયો હતો. તૂટેલો ચેઈન હાથમાં આવતા જ પેલો શખ્સ દોડીને બાઈક પર બેસી ગયેલા તેના સાગરીત સાથે ત્યાંથી પલાયન થઈ ગયો હતો, જેની કિંમત અંદાજે 70 હજાર રૂપિયા આંકવામાં આવી રહી છે.

ઘટના બાદ ગભરાઈ ગયેલા મમતાબેને તાત્કાલિક પોતાના પરિવારજનોને સમગ્ર બનાવની જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. પોલીસે બંને ભાગી ગયેલા શખ્સોના સગડ દબાવવા માટે કવાયત તેજ કરી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ પોલીસના પંજામાં હશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

LATEST ARTICLES