દિલ્હીની જાણીતી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વર્ષ 2006 પછી પહેલીવાર સ્ટુડન્ટ્સ યુનિયન ઇલેક્શન ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે સોમવારે જ કેમ્પસમાં અચાનક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવ્યાના કલાકોની અંદર જ વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા હતા અને તેઓ સમયબદ્ધ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની સાથે ચીફ ઇલેક્શન ઓફિસરની નિમણૂક કરવાની માંગ કરી રહ્યા હતા. આ અચાનક થયેલા વિરોધને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે તણાવનો માહોલ સર્જાઈ ગયો હતો અને વાતાવરણ ગરમાગરમ બની ગયું હતું.
આ સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન અંદાજે 100 જેટલી યુવતીઓએ જુદા જુદા ગેટ્સમાંથી કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો અને તેમાંથી કેટલીક વિદ્યાર્થીનીઓ ગેેટ નંબર 7 ની બહાર એકત્ર થઈને જોરદાર સૂત્રોચ્ચાર કરવા લાગી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને દિલ્હી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે અનેક દેખાવકારોને ડીટેઈન પણ કરવામાં આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ “દિલ્હી પોલીસ, ગો બેક” ના નારા લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ તથા પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે જામિયા મિલિયા ઇસ્લામિયા સ્ટુડન્ટ્સ યુનિયન (JMISU) ની ચૂંટણીઓ વર્ષ 2006થી એટલે કે છેલ્લા લગભગ 19 વર્ષથી યોજાઈ ન હતી, જેને કારણે વિદ્યાર્થીઓમાં લાંબા સમયથી અસંતોષ પ્રવર્તી રહ્યો હતો. હવે જ્યારે લાંબા અંતરાલ બાદ ઇલેક્શન યોજવાની જાહેરાત થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ કોઈપણ જાતના વિલંબ વિના પારદર્શક અને સમયબદ્ધ રીતે આ પ્રક્રિયા પૂર્ણ થાય તેમ ઇચ્છે છે. જો કે, આ શરૂ થયેલા વિવાદ અને વિદ્યાર્થીઓની અટકાયત બાદ આગામી દિવસોમાં યુનિવર્સિટી પ્રશાસન શું પગલાં ભરે છે અને મામલો શાંત થાય છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
