આજે પણ આપણા દેશમાં કેટલાક એવા ખૂણા છે જ્યાં વિકાસ પહોંચતા દાયકાઓ નીકળી જાય છે. મધ્ય પ્રદેશના સિધ્ધિ વિસ્તારના લોકો માટે ગત 24 ઓક્ટોબરનો દિવસ કોઈ મોટા તહેવારથી કમ નહોતો. વાત જાણે એમ છે કે દેશ આઝાદ થયાના આટલા વર્ષો પછી પહેલીવાર આ વિસ્તારમાં ટ્રેન આવી પહોંચી છે. પાટા પર કુચ કરતી આ ટ્રેનને જોઈને સ્થાનિક લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને સ્ટેશન પર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ રેલવે પ્રોજેક્ટની કહાની પણ રસપ્રદ છે. આની શરૂઆત કોઈ તાજેતરની યોજના નથી, પરંતુ આ પ્રોજેક્ટનો પહેલો પ્રસ્તાવ તો વર્ષ 1956માં મૂકવામાં આવ્યો હતો. કાગળ પર બનેલી આ યોજના પાટા પર આવતા આવતા પૂરા 70 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો. દાયકાઓથી અટવાયેલા આ પ્રોજેક્ટના કારણે આ વિસ્તારના લોકોને અગવડ વેઠવી પડતી હતી, પરંતુ હવે ટ્રેન શરૂ થવાથી અહીંના લોકોનું બહારની દુનિયા સાથેનું જોડાણ એકદમ સરળ બની જશે.
જ્યારે આ ટ્રેન સિધ્ધિ વિસ્તારના સ્ટેશને આવી ત્યારે લોકોએ ઢોલ-નગારા વગાડીને અને ફટાકડા ફોડીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દાયકાઓની લાંબી રાહ જોયા પછી આખરે ઘર આંગણે ટ્રેન આવતા લોકોમાં અઝબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રેલવે લાઇન શરૂ થવાથી હવે વેપાર-ધંધાને વેગ મળશે તેમજ વિદ્યાર્થીઓ અને દર્દીઓને હોસ્પિટલ આવવા-જવામાં પણ મોટી રાહત મળશે.
