સુરત શહેરના ઉત્રાણ રેલવે સ્ટેશનનું કાયાકલ્પ થવા જઈ રહ્યું છે અને તેને એક મહત્વપૂર્ણ સેટેલાઈટ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાની કામગીરી હવે આખરી ઓપ લઈ રહી છે. રેલવે તંત્ર દ્વારા સ્ટેશનના નવીનીકરણનું કામ પૂરજોશમાં આગળ વધારવામાં આવ્યું છે, જેમાં મુખ્ય લાઇન ઉપરાંત અન્ય ત્રણ નવા ટ્રેકનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ થનાર આ સ્ટેશનથી આગામી દિવસોમાં ઉત્તર ભારત તરફ જતી ખાસ ટ્રેનોનું સંચાલન શરૂ થાય તેવી સંભાવના છે, જેનાથી રેલવે મુસાફરોને મોટી રાહત મળશે.
સામાન્ય રીતે દિવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારોની મોસમમાં બિહાર તેમજ ઉત્તર પ્રદેશ તરફ પ્રવાસ કરતા મુસાફરોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના કાયમી નિવારણ માટે ઉત્રાણ સ્ટેશન કાર્યરત થવાથી અમરોલી, છાપરાભાઠા, વરિયાવ અને મોટા વરાછા વિસ્તારમાં વસવાટ કરતા હજારો પરપ્રાંતીય પરિવારોને ઘર આંગણે જ સુવિધા મળી રહેશે. આ વિસ્તારોના સ્થાનિક રહીશોને હવે ઉત્તર પ્રદેશ કે બિહાર જવા માટે સુરત કે ઉધનાના મુખ્ય મથકો સુધી લાંબા થવું નહીં પડે, જેનાથી તેમના કિંમતી સમયની સાથે નાણાકીય બચત પણ થશે.
અત્યાર સુધી ઉત્તર ભારત તરફ પ્રવાસ કરવા માટે માત્ર સુરત અને ઉધના રેલવે સ્ટેશનો જ ઉપલબ્ધ હોવાથી તહેવારો દરમિયાન ભારે ભીડ અને અફરાતફરીનું વાતાવરણ સર્જાતું હતું. પરંતુ હવે ઉત્રાણ રેલવે સ્ટેશન સેટેલાઈટ સ્ટેશન તરીકે ધમધમતું થવાથી મુખ્ય સ્ટેશનો પરથી મુસાફરોનું અતિશય ભારણ નોંધપાત્ર હદે ઘટી જશે. પશ્ચિમ રેલવે દ્વારા તમામ કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આ નવા સેટેલાઈટ સ્ટેશનથી ટ્રેનો દોડતી થવાથી પ્રવાસીઓમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.
