JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દિલ્હીના બજારોમાં પ્રદર્શનોથી રોજના ૨૫૦ કરોડના વેપાર પર અસર: સુપ્રીમ કોર્ટે હાથ ધરી સુનાવણી

Oct 16, 2026 | 23:07 | By JAMNAGAR MIRROR
દિલ્હીના બજારોમાં પ્રદર્શનોથી રોજના ૨૫૦ કરોડના વેપાર પર અસર: સુપ્રીમ કોર્ટે હાથ ધરી સુનાવણી

દેશની રાજધાની દિલ્હીના મુખ્ય બજારોમાં વારંવાર યોજાતા વિરોધ પ્રદર્શનો અને તેના કારણે રસ્તાઓ બંધ થવાથી વેપાર-ધંધા પર પડી રહેલી ગંભીર અસરનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટ દ્વારા નાના દુકાનદારો, ફેરીવાળાઓ અને લારી-ગલ્લા સંચાલકોની મુશ્કેલીઓ પ્રત્યે વિશેષ સંવેદનશીલતા દર્શાવવામાં આવી છે. અદાલતે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ભારતીય બંધારણની કલમ ૩૨ હેઠળ દિલ્હી કિરાના કમિટી અને દિલ્હી આયર્ન એન્ડ હાર્ડવેર મર્ચન્ટ્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તહેવારો અને લગ્નની મોસમમાં વેપાર અને નાગરિકોની અવરજવર કોઈપણ અવરોધ વગર ચાલુ રહેવી જોઈએ.

અદાલતમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, દિલ્હીના બજારોમાં સામાન્ય દિવસોમાં દૈનિક આશરે ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂપિયાનો કારોબાર થાય છે. જોકે, મુખ્ય માર્ગો પર થતા આંદોલનો, ધરણાં અને સરઘસોને પગલે દરરોજ આશરે ૨૫૦ કરોડ રૂપિયાના વેપારને સીધો ફટકો પડી રહ્યો છે. કનોટ પ્લેસ સહિતના મુખ્ય વ્યાપારી કેન્દ્રોની આસપાસ નાકાબંધીના કારણે ગ્રાહકોની અવરજવર અત્યંત મર્યાદિત થઈ ગઈ છે. આ પરિસ્થિતિના કારણે માત્ર મોટા વેપારીઓ જ નહીં, પરંતુ દૈનિક વેતન મેળવતા શ્રમિકો, માલવાહકો અને નાના વિક્રેતાઓની રોજીરોટી પર પણ સંકટ ઊભું થયું છે. આથી, વેપારીઓએ માગણી કરી છે કે વિરોધ પ્રદર્શન માટે બજારોથી દૂર ચોક્કસ સ્થળ અને સમય નક્કી કરવામાં આવે તેમજ એક કડક કાર્યપદ્ધતિ ઘડવામાં આવે.

અખિલ ભારતીય વેપારી સંગઠનના અગ્રણીઓએ સ્પષ્ટતા કરી છે કે આ કાનૂની લડત નાગરિકોના શાંતિપૂર્ણ વિરોધ કરવાના હક વિરુદ્ધ નથી, પરંતુ વિરોધ પ્રદર્શન અને વેપારીઓના આજીવિકા મેળવવાના મૂળભૂત અધિકાર વચ્ચે યોગ્ય સંતુલન જળવાવું ખૂબ જરૂરી છે. દિલ્હીમાં ૧૦ લાખથી વધુ સક્રિય વ્યાપારી એકમો આવેલા છે, જેની સાથે એક કરોડથી પણ વધુ લોકોનું જીવન નિર્વાહ જોડાયેલું છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દરરોજ પાંચ લાખથી વધુ વેપારીઓ ખરીદી અર્થે અહીં આવે છે. કમાણીની સૌથી મહત્વપૂર્ણ સિઝનમાં વેપાર ઠપ થતાં દુકાનનું ભાડું, સ્ટાફનો પગાર અને બેંક લોનના હપ્તા ચૂકવવા મુશ્કેલ બની રહ્યા છે, જેને ધ્યાને રાખીને વેપારી મંડળો દ્વારા હવે એકતા દર્શાવીને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

LATEST ARTICLES