ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગમાં હાલમાં ઉચ્ચ અધિકારીઓની મનસ્વી નીતિ અને પક્ષપાતી વલણને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. જામનગર ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગરના અધ્યક્ષને લેખિત રજૂઆત કરીને ન્યાયની ગુહાર લગાવી છે. આ મામલામાં તેમણે જામનગર વિભાગના વિભાગીય નિયામક બી.સી. જાડેજા અને વિભાગીય પરિવહન અધિકારી જે.વી. ઈશરાણી સામે નામજોગ ગંભીર આરોપો મૂકતા એસ.ટી. બેડામાં ભારે ચર્ચા જાગી છે. મહિલા કંડક્ટર દ્વારા કરાયેલી આ ફરિયાદમાં જાતિગત ભેદભાવ, યુનિયન રાયવાલિટી અને બદલાની ભાવનાથી અન્યાયી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, મહિલા કંડક્ટર જામનગર-હર્ષદ રૂટ પર ફરજ પર હતા ત્યારે ડબલ ડ્યુટી અને પિતાની બીમારી વચ્ચે બસમાં યાંત્રિક ખામી એટલે કે બ્રેકડાઉન સર્જાયું હતું. આથી બસને ભાટિયાથી પરત વાળીને ખંભાળિયા ડેપોમાં વહેલી લાવવામાં આવી હતી. ત્યાં ફરજ પરના ટી.સી. હરદેવસિંહ જાડેજા સાથે બોલાચાલી થતા ખંભાળિયા ડેપો મેનેજરની હાજરીમાં બંને પક્ષો વચ્ચે લેખિત સમાધાન થઈ ગયું હતું અને માફીપત્ર આપીને કેસ પૂરો કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. પરંતુ બાદમાં ટી.સી.એ તે સમાધાન અમાન્ય ગણાવીને ફરી અરજી કરી હતી, જેના આધારે વિભાગીય કચેરીએ અગાઉ થયેલું સમાધાન રદ કરી દીધું હતું અને મહિલા કંડક્ટરની દ્વારકા ડેપોમાં બદલી કરીને 4000 નો દંડ પણ ફટકારી દીધો હતો.
મહિલા કંડક્ટરે પોતાના આક્ષેપોમાં જણાવ્યું છે કે તેઓ 'ભારતીય મઝદુર સંઘ'ને સમર્થન આપતા હોવાના કારણે તેમને જાણી જોઈને મુશ્કેલીમાં મૂકવા માટે આ બદલાકીય કાર્યવાહી કરાઈ છે. તેમણે અન્ય કેટલાક કેસોના દાખલા ટાંકીને અધિકારીઓના પક્ષપાતને પણ ખુલ્લો પાડ્યો છે. દ્વારકા ડેપોના એ.ટી.આઈ. સામે ગંભીર ફરિયાદો હોવા છતાં તેમને માત્ર તાકીદ આપીને છોડી દેવાયા છે, જ્યારે 407 કિલોમીટરનો રૂટ રદ કરાવીને મુસાફરોને રઝળાવનાર કંડક્ટરને માત્ર 500 નો જ દંડ કરાયો હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત 50 હજારથી વધુની ઉચાપત કરનાર ક્લાર્ક સામે કડક પગલાં લેવાને બદલે માત્ર 20000 નો દંડ અને બદલીથી સંતોષ માનવામાં આવ્યો હતો, જ્યારે આ કેસની કાર્યવાહી નિયમ મુજબ 30 દિવસમાં પૂરી કરવાને બદલે જાણીબુજીને 2 મહિના સુધી લંબાવવામાં આવી હતી.
અધિકારીઓ દ્વારા પોતાના અંગત કર્મચારીઓને મનપસંદ બદલીઓ આપીને અન્ય સાચા કર્મચારીઓ સાથે પક્ષપાત કરવામાં આવતો હોવાની બૂમો ઉઠી છે. મહિલા કંડક્ટરે આ સમગ્ર બાબતે પોતાની શારીરિક અને માનસિક અસુરક્ષા વ્યક્ત કરી છે. તેમણે મહિલા આયોગ સમક્ષ માંગ કરી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ બી.સી. જાડેજા તથા જે.વી. ઈશરાણી સામે કડક પગલાં લેવામાં આવે. આ ગંભીર રજૂઆતની એક નકલ અમદાવાદ સ્થિત એસ.ટી. વિભાગની મધ્યસ્થ કચેરીના ઉચ્ચ અધિકારીઓને પણ મોકલી આપવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં આ મામલે મોટો ધડાકો થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે.
