આજકાલ ઘરે બેઠા ફાસ્ટ ડિલિવરી આપતી એપ્સનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. લોકો ઘરની નાની-મોટી ચીજવસ્તુઓ મંગાવવા માટે મોબાઈલ એપનો આશરો લેતા હોય છે. પણ જો આ મોટી કંપનીઓ જ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા લાગે તો? તાજેતરમાં જ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ક્વિક કોમર્સ એપ ઝેપ્ટો દ્વારા ગ્રાહક પાસેથી પ્રોડક્ટની અસલી કિંમત એટલે કે એમઆરપી કરતા પણ વધારે રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ મામલો કન્ઝ્યુમર કોર્ટ સુધી પહોંચ્યો અને હવે કંપનીએ તેના વળતર રૂપે ભારે રકમ ચૂકવવાનો વારો આવ્યો છે.
આ પૂરા વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એડવોકેટ કે શિવ ગણેશે ઝેપ્ટોની એપ પરથી ગ્રોસરીનો સામાન ઓર્ડર કર્યો હતો. ઓર્ડર મળ્યા બાદ તેમણે બિલ ચેક કર્યું તો ચોંકી ગયા. કંપનીએ પ્રોડક્ટ પર છાપેલા એમઆરપી રેટ કરતા 34 રૂપિયા વધુ વસૂલ્યા હતા. સામાન્ય માણસ આવા નાના-મોટા રુપિયા જતી કરે છે, પણ એક જાગૃત નાગરિક અને વકીલ હોવાના નાતે શિવ ગણેશે આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું અને કમિશનમાં કેસ ફાઇલ કર્યો.
કેસની સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને તમામ પુરાવાઓ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. કમિશને સ્પષ્ટપણે નોંધ્યું કે એપ દ્વારા એમઆરપી કરતા વધુ રકમ વસૂલવી એ ગ્રાહકો સાથે સીધી છેતરપિંડી છે અને આ એક પ્રકારનો અનફેયર ટ્રેડ પ્રેક્ટિસ એટલે કે ગેરરીતિ છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે ઝેપ્ટોની ઝાટકણી કાઢી હતી અને આદેશ આપ્યો કે કંપનીએફ ફરિયાદી ગ્રાહકને માનસિક ત્રાસ અને નુકસાન બદલ કુલ 57,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. આ સાથે જ કોર્ટે કંપનીને લીગલ એઇડ એકાઉન્ટમાં પણ ફંડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
આજના ડિજિટલ યુગમાં ગ્રાહકોના હકોનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે તેનો આ કિસ્સો જીવતો જાગતો પુરાવો છે. કમિશને ઝેપ્ટોને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે ભવિષ્યમાં ક્યારેય પણ ગ્રાહકો પાસેથી એમઆરપી કરતા એક પણ રૂપિયો વધારે વસૂલવામાં ન આવે. આ ઘટનાથી ઓનલાઈન શોપિંગ અને ડિલિવરી એપ ચલાવતી અન્ય કંપનીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે, કારણ કે હવે ગ્રાહકો જાગૃત થઈ ગયા છે અને નાની મોટી છેતરપિંડી સામે સીધા કોર્ટના દરવાજા ખખડાવતા અચકાતા નથી.
