જો તમે આગામી દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આવતા જાણથલી અને અલીયાબાડા રેલ સેકશનમાં ટ્રેક ડબલિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રેલવે વ્યવ્હારને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે ચાલી રહેલા આ ડેવલપમેન્ટના કામોને કારણે જામનગરથી આવન-જાવન કરતી ટ્રેન સેવાઓ ઉપર મોટી અસર પડી છે. રેલવે તંત્ર દ્વારા તા. 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર 2026 સુધી આ રૂટ પર સ્પેશિયલ બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે તો કેટલીક ટ્રેનો ટૂંકા રસ્તે જ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી મુજબ, રેલવે વિભાગે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને કુલ 4 ટ્રેનોને આ સમયગાળા દરમિયાન સંપૂર્ણપણે રદ કરી દીધી છે. જેમાં ટ્રેન નંબર 59૫52 ઓખા-રાજકોટ લોકલ અને ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા લોકલ તા. 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર 2026 સુધી નહીં દોડે. આ ઉપરાંત, લાંબા અંતરની ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ પણ તા. 28 ઓક્ટોબરથી 4 નવેમ્બર 2026 સુધી સંપૂર્ણપણે રદ રહેશે, જેને કારણે આ રૂટના નિયમિત મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
સંપૂર્ણ રદ થયેલી ટ્રેનો ઉપરાંત અન્ય કેટલીક ટ્રેનોના રૂટ પણ ટૂંકા કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને થોડી ઘણી રાહત મળી રહે. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા. 24.10.2026 થી 03.11.2026 સુધી માત્ર રાજકોટ સુધી જ જશે અને રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે સામે પક્ષે ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ તા. 25.10.2026 થી 04.11.2026 સુધી રાજકોટથી જ ઉપડીને ભાવનગર તરફ જશે. વડોદરાથી જામનગર આવતી જાણીતી ટ્રેન નંબર 22959 ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 28.10.2026 થી 04.11.2026 સુધી વડોદરાથી ફક્ત રાજકોટ સુધી જ દોડશે અને રાજકોટ-જામનગર વચ્ચે રદ રહેશે. તે જ રીતે, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 29.10.2026 થી 05.11.2026 સુધી રાજકોટથી જ વડોદરા માટે રવાના થશે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્ટેશન પર નીકળતા પહેલા પોતાની ટ્રેનનું સ્ટેટસ અગાઉથી જ ચકાસી લે.
