JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર, હવે કાઉન્ટર પરથી ટિકિટ લેનારને પણ મળશે વીમા કવચનો લાભ

Oct 26, 2026 | 16:20 | By JAMNAGAR MIRROR
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર, હવે કાઉન્ટર પરથી ટિકિટ લેનારને પણ મળશે વીમા કવચનો લાભ
ભારતીય રેલવે દ્વારા તા. 27 ઓક્ટોબરથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર પરથી ટિકિટ લેનાર મુસાફરો માટે પણ વીમા યોજના શરૂ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ લાભ માત્ર ઓનલાઈન ઈ-ટિકિટ બુક કરાવનારાઓને જ મળતો હતો, પરંતુ હવે કાઉન્ટરની ટિકિટ પર પણ માત્ર 45 પૈસાના પ્રીમિયમમાં 10 લાખ રૂપિયા સુધીનું વિમા કવચ મળી શકશે.

તમારામાંથી ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ કઢાવવા માટે લાઈનમાં ઊભા રહીને રેલવે સ્ટેશનના પીએસઆર કાઉન્ટરનો સહારો લેતા હશો. અત્યાર સુધી એવું હતું કે જે લોકો મોબાઈલ કે લેપટોપથી ઘર બેઠા ઓનલાઈન ઈ-ટિકિટ બુક કરાવતા, તેમને જ રેલવે અકસ્માત સામે વીમા કવચનો લાભ મળતો હતો. પરંતુ, હવે રેલવે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની શરૂઆત તા. 27 ઓક્ટોબરથી થઈ રહી છે. હવે કાઉન્ટર પરથી ટિકિટ લેનારા મુસાફરો પણ આ વીમા યોજનાનો લાભ મેળવી શકશે.

આ સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે. જ્યારે તમે કાઉન્ટર પર ટિકિટ કઢાવવા જાવ ત્યારે વીમાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, તમારો મોબાઈલ નંબર આપવો પડશે અને ટિકિટના પૈસા ડિજિટલ માધ્યમથી ચૂકવવા પડશે. આ વીમાનું પ્રીમિયમ તમામ કર સહિત માત્ર 45 પૈસા છે. સૌથી સારી વાત એ છે કે જો એક જ પીએનઆર હેઠળ પરિવાર કે મિત્રો સાથે મળીને ટિકિટ બુક કરાવવામાં આવી હશે, તો તે પીએનઆર પરના તમામ મુસાફરોને આ વીમાનો લાભ મળી રહેશે.

જો મુસાફરી દરમિયાન કોઈ દુર્ઘટના કે રેલ અકસ્માત જેવી અપ્રિય ઘટના બને, તો આ વીમા યોજના હેઠળ મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ સુધીનું વળતર મળે છે. આ ઉપરાંત, જો કોઈ મુસાફરને કાયમી આંશિક દિવ્યાંગતા થાય તો રૂ. 7.50 લાખ અને ઈજા પામવા પર હોસ્પિટલની સારવાર માટે રૂ. 2 લાખ સુધીનું વીમા કવચૂરું પાડવામાં આવે છે. એટલું જ નહીં, અકસ્માતમાં જો કોઈનું મૃત્યુ થાય તો પાર્થિવ દેહના પરિવહન માટે પણ રૂ. 10 હજારનો વિશેષ લાભ આપવામાં આવે છે. આ તમામ વીમાકીય દાવાઓ અને તેની જવાબદારી સંબંધિત વીમા કંપનીની રહે છે.

LATEST ARTICLES