વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચેન્નાઈમાં આશરે ₹૧૩,૦૦૦ કરોડના મહત્ત્વકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે તમિલનાડુના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. આ વિકાસકાર્યોના અવસરે મુખ્યમંત્રી સી. જોસેફ વિજય પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાજ્યના વિવિધ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકાર પાસે વિશેષ ભંડોળની માંગણી કરી હતી.
સત્તાવાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયે સાથે મળીને ચેન્નાઈ મેટ્રોમાં સફર કરી હતી. આ મેટ્રો સફર રાજકીય વિશ્લેષકો અને પ્રજા વચ્ચે ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. નોંધનીય બાબત એ છે કે, PM મોદી સાથે મેટ્રોમાં સવારી કરવાના માત્ર ૨૪ કલાક પહેલાં જ વિજયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉષ્માભરી મહેમાનગતિ કરી હતી.
દક્ષિણ ભારતીય સિનેમા જગતમાંથી રાજકારણમાં પદાર્પણ કરી 'તમિલગા વેત્રી કઝગમ' થકી સત્તાના શિખરે પહોંચેલા વિજય માત્ર એક જ દિવસના ગાળામાં દેશના બે સર્વોચ્ચ અને વિરોધી રાજકીય ધ્રુવો સાથે સંતુલન સાધતા જોવા મળ્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર સાથે સુમેળભર્યા સંબંધો રાખીને રાજ્ય માટે ફંડ મેળવવું અને બીજી તરફ સાથી પક્ષ કોંગ્રેસ સાથે રાજકીય સંબંધો જાળવી રાખવા – આ બંને બાબતો વચ્ચે વિજયે અદભુત રાજકીય કુનેહ દર્શાવી છે.
