JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં ભક્તિભાવનો અદભુત માહોલ, 51મા વર્ષે યોજાયેલા મહાપ્રસાદમાં 28 હજારથી વધુ બાળાઓએ લીધો લાભ

Oct 26, 2026 | 19:21 | By JAMNAGAR MIRROR
જામનગરમાં ભક્તિભાવનો અદભુત માહોલ, 51મા વર્ષે યોજાયેલા મહાપ્રસાદમાં 28 હજારથી વધુ બાળાઓએ લીધો લાભ
છોટીકાશી ગણાતા જામનગરમાં શ્રી હર્ષિદા ગરબી મંડળ દ્વારા નવરાત્રિની પરંપરાગત ઉજવણી બાદ બાળાઓ માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પવનચક્કી પાસેના વિસ્તારમાં યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં સંતો, મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે અંદાજીત 28 હજાર બાળાઓ અને બટુકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બાળાઓની આવાગમન માટે સ્વયંસેવકો દ્વારા ખાસ 300 કારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જામનગર એટલે કે આપણી છોટીકાશી, જ્યાં ધર્મ અને ઉત્સવોનો માહોલ હંમેશાં ચારેય તરફ છવાયેલો રહે છે. અહીં શ્રી હર્ષિદા ગરબા મંડળ અને શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નવરાત્રિ પૂરી થયા પછી એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે સતત 51મા વર્ષે શહેરની અલગ-અલગ ગરબી મંડળોની બાળાઓ અને આસપાસની 50 જેટલી સ્કૂલોની બાળાઓ માટે એક વિશાળ મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મોત્સવનો પાવન શુભારંભ કચ્છના પ્રખ્યાત માતાનાં મઢ સ્થિત શ્રી આશાપુરા માતાજી મંદિરના મહંતના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

આ ભવ્ય આયોજનમાં ધર્મ અને સેવાભાવનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં જામનગરના શ્રી સાંઈબાબા મંદિરના મહંત તેમજ પૂર્વ મેયર કનકસિંહ બાપુ સહિતના અનેક સંતો-મહંતો અને ધર્માચાર્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ સહિતના શહેરના દિગ્ગજ આગેવાનો અને અગ્રણીઓએ પણ હાજરી આપીને બાળાઓનો ઉત્સાહ વધાર્યો હતો. પવનચક્કી પાસે આવેલી વેજુમાં વાડી ખાતે યોજાયેલા આ મહાપ્રસાદમાં અંદાજીત 28 હજાર બાળાઓ અને સેંકડો બટુકોએ ઉત્સાહભેર મહાપ્રસાદનો લાભ લીધો હતો. આટલી મોટી સંખ્યામાં બાળાઓને કોઈ પણ મુશ્કેલી વગર કાર્યક્રમ સુધી લાવવા અને પાછા લઈ જવા માટે મંડળના સમર્પિત સ્વયંસેવકો દ્વારા ખાસ 300 જેટલી કારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ખરેખર પ્રશંસનીય પગલું હતું.

આટલા મોટા પાયે યોજાયેલા ભવ્ય અને સફળ આયોજન પાછળ મંડળના કાર્યકરોની સખત મહેનત અને જહેમત છુપાયેલી છે. રાજુભાઈ જોશી, નટવરસિંહ પઢીયાર, ભરતભાઈ ચૌહાણ, સંદિપ મકવાણા, મુકેશભાઈ ચૌહાણ, સમિર વાસુ, મનોજ ચાવડા, ચંદુભાઈ પરમાર, પરેશભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ બારડ, કેતન ગોરાતેલા, ભગવાનજી પરમાર, તુષાર દુબલ, જયદિપ ચાવડા, ધર્મેન્દ્રભાઈ મેર, જીતેન્દ્ર મકવાણા, કપીલ ચાવડા, મયુર પરમાર, દિવ્યેશ મકવાણા, મેહુલ મકવાણા, અખીલ મેર, સોમા સાગઠીયા, નરેશ અજા, સંજય ગોહિલ, આશિષ જોશી, અનિરુદ્ધ મકવાણા, ચેતન પરમાર, સાગર ચૌહાણ, નિલેશ ભટ્ટી, દેવદત પરમાર, સાગર વાસુ, ધર્મેશ સુખડીયા, રમેશભાઈ છુછીયા, રાજેશભાઈ ગોસાઈ, શશીકાંતભાઈ પુંજાણી, ચંદ્રેશ પરમાર અને ચિરાગ ગોહિલ સહિતના તમામ કાર્યકરોએ દિવસ-રાત એક કરીને આ મહોત્સવને સફળ બનાવ્યો હતો. છોટીકાશીની આ સુંદર પરંપરાએ ફરી એકવાર સામાજિક એકતા અને ભક્તિભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

LATEST ARTICLES