JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગરમાં ૪૧ કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સને અદાલતે ફટકારી ૧૦ વર્ષની કેદ અને એક લાખનો દંડ

Oct 11, 2026 | 02:12 | By JAMNAGAR MIRROR
જામનગરમાં ૪૧ કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સને અદાલતે ફટકારી ૧૦ વર્ષની કેદ અને એક લાખનો દંડ

જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલી સનસિટી સોસાયટીમાં મકાનમાંથી ઝડપાયેલા ૪૧ કિલોથી વધુ ગાંજાના ચકચારી કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જામનગરની ખાસ અદાલતે આરોપી મહંમદ હુસેન સમાને દોષિત ઠેરવીને ૧૦ વર્ષની સખત કેદ અને રૂપિયા એક લાખના આકરા દંડની સજા ફટકારી છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ રહે તો તેણે વધુ એક વર્ષની જેલની સજા ભોગવવી પડશે તેવો સ્પષ્ટ આદેશ પણ અદાલતે કર્યો છે.

આ કેસની વિગત મુજબ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને બાતમી મળી હતી કે સનસિટી સોસાયટી વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે માદક પદાર્થનો મોટો જથ્થો છુપાવીને બેઠો છે. આ બાતમીના આધારે પોલીસે તારીખ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ મહંમદ હુસેન સમાના મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન મકાનની સીડી નીચેથી શંકાસ્પદ હાલતમાં રાખેલા બે મોટા બાચકા મળી આવ્યા હતા. જેમાંથી એક બાચકામાંથી ૨૧ કિલો અને બીજા બાચકામાંથી ૨૦ કિલો ૩૦૦ ગ્રામ મળી કુલ ૪૧ કિલો ૩૦૦ ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં આ ગાંજો મહારાષ્ટ્રથી લવાયો હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) અધિનિયમ હેઠળ ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જામનગરની ખાસ અદાલતમાં આ કેસ ચાલી જતાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ ધર્મેન્દ્ર જીવરાજાની દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષ તરફથી સરકારી પંચોની હાજરી, ગાંજાનું સકારાત્મક લેબોરેટરી પરીક્ષણ, ૨૭ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૧૩ સાક્ષીઓની મહત્વપૂર્ણ જુબાની રજૂ કરીને ગુનો પુરવાર કરવામાં આવ્યો હતો.

અદાલતે બંને પક્ષોની દલીલો અને રેકર્ડ પર આવેલા મજબૂત પુરાવાઓને ધ્યાને રાખી આરોપી મહંમદ હુસેન સમાને ગુનેગાર ઠેરવ્યો હતો. નશાના વેપાર સામે કડક વલણ દાખવતાં કોર્ટે આરોપીને ૧૦ વર્ષની કેદ અને રૂ. ૧ લાખનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. અદાલતના આ કડક વલણથી સ્થાનિક સ્તરે નશીલા પદાર્થોની હેરાફેરી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

LATEST ARTICLES