પોતાના પર ચાલી રહેલા મર્ડરના કેસમાંથી છટકી જવા માટે લોકો શું શું નથી કરતા! ઉત્તર પ્રદેશના મૌ જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. રાજકુમાર રાજભર નામના 38 વર્ષના શખ્સે કાયદાની આંખોમાં ધૂળ નાખવા માટે ખુદનું જ મોત થયું હોવાનું નાટક રચ્યું એટલું જ નહીં, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પોતાની અંતિમક્રિયાનો માહોલ પણ ઊભો કરી દીધો. આ આખો મામલો સામે આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓ પણ થોડીવાર માટે અસમંજસમાં મૂાઈ ગયા કે આવું પણ થઈ શકે છે.
બનાવની વિગત એવી છે કે રાજકુમાર રાજભર પર વર્ષ 2016માં યોગેશ સિંહ નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ હતો અને આ મામલે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી. આ કેસમાં તે જામીન પર બહાર હતો, પરંતુ જેલમાં જવું ન પડે અને સજાથી બચી શકાય તે માટે તેણે એક ખતરનાક પ્લાન બનાવ્યો. આ યોજના હેઠળ તેણે એક બકરાને મારીને તેના શબને કફન ઓઢાડીને ચિતા પર મૂક્યું અને એઆઈ ટેકનોલોજીની મદદથી તે બકરાના ચહેરા પર પોતાનો ચહેરો મોર્ફ કરી દીધો. આટલું જ નહીં, અંતિમયાત્રા અને અંતિમ સંસ્કારના ફોટા પણ ખેંચાવ્યા જેથી આખો બનાવ અસલી લાગે. આ દસ્તાવેજોના આધારે મૌ મ્યુનિસિપલ કાઉન્સિલમાંથી ડેથ સર્ટિફિકેટ પણ કઢાવી લીધું અને કોર્ટમાં રજૂ કરી દીધું કે હવે આરોપીનું મોત થઈ ચૂક્યું છે.
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું કે રાજકુમારે માત્ર મર્ડરના કેસથી બચવા જ નહીં, પરંતુ શેરબજારમાં રોકાણના નામે ઘણા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા અને તે પૈસા પણ પાછા ન આપવા પડે તે માટે આ ડ્રામા રચ્યો હતો. તે લગભગ 1 વર્ષ અને 6 મહિના સુધી કાયદાની નજરોથી બચીને આરામથી જીવી રહ્યો હતો, પરંતુ પોલીસની એસઓજી અને સર્વેલન્સ ટીમે બાતમીના આધારે રવિવારે સવારે 9 વાગ્યે તેને તેના જ વિસ્તારમાંથી દબોચી લીધો. પોલીસે હવે તેની ધરપકડ કરીને હત્યાના કેસની સાથે સાથે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ બનાવવાનો વધુ એક નવો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
