વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ગત 23 જુલાઈના રોજ ઘાતક પૂર ત્રાટક્યું હતું, જેના કારણે શહેરનો 90 ટકા જેટલો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. આ આપત્તિમાં કાશ્મીરનગર, પારડી, તરિયાવાડ, બંદર રોડ, છીપવાડ, ડોડિયા ટેકરા, માસ્તર રોડ, જોગીયાની નાળ અને વાવડી સહિતના વિસ્તારોના સેંકડો મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લોકોનું ઘરવખરી તેમજ સામાન તણાઈ જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. કુદરતી આફતની આ માર બાદ લોકો માંડ બેઠા થવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સરકારી તંત્રની ઉદાસીનતા તેમને વધુ હેરાન કરી રહી છે.
પૂર ઓસર્યા બાદ સરકારી ધોરણો મુજબ નુકસાનનો અંદાજ મેળવવા અને સહાય ચૂકવવા માટે સિટી મામલતદારના વડપણ હેઠળ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વે પૂરો થયા બાદ લોકોને સહાય મળશે તેવી આશા બંધાઈ હતી, પરંતુ અઢી માસ જેટલો લાંબો સમય વીતી જવા છતાં અનેક સાચા અરજદારો સહાયની રકમથી વંચિત રહી ગયા છે. કાગળ પર કામગીરી પૂર્ણ બતાવવામાં આવતી હોવા છતાં ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે, જેના કારણે સર્વે કરનાર અધિકારીઓની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે પીડિત લોકોએ ચૂપ બેસી રહેવાને બદલે સિટી મામલતદાર કચેરીથી લઈને જિલ્લા કલેક્ટર સુધી દોડધામ કરી છે અને લેખિત રજૂઆતો પણ કરી છે. તંત્ર દ્વારા અરજદારો પાસેથી ફરીથી દસ્તાવેજો અને પુરાવાઓ પણ મંગાવવામાં આવ્યા હતા, છતાં પરિસ્થિતિ જસની તસ છે. છીપવાડ સહકારી સંઘ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી ખાતામાં રૂપિયા ન જમા થતા લોકોમાં તંત્ર સામે ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વહેલી તકે આ સહાય ચૂકવવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.
