અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થતા વાહનચાલકો માટે છેલ્લા 2 દિવસ ભારે મુશ્કેલી ભરેલા સાબિત થઈ રહ્યા છે. વાપી પાસે આવેલા સલવાવ બ્રિજ નજીક ચાલી રહેલી રોડ રિપેરિંગની કામગીરીને કારણે અહીં ટ્રાફિકજામની મોટી સમસ્યા સર્જાઈ છે. હાલની સ્થિતિ એવી છે કે સલવાવ બ્રિજના આગળના છેડાથી લઈને અમદાવાદ તરફ જતા માર્ગ પર આવેલા બલીઠાના બરમદેવ મંદિર સુધી આશરે 1 કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. હાઇવે પર સર્જાયેલી આ વરવી સ્થિતિના કારણે ડ્રાઇવરો અને મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવા મજબૂર બન્યા છે.
આ ગંભીર ટ્રાફિક સમસ્યા પાછળ હાઇવે ઓથોરિટીની બેદરકારી અને દિવસ દરમિયાન ચાલતી અત્યંત ધીમી કામગીરી મુખ્ય કારણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને સાંજના સમયે જ્યારે પીક અવર્સ હોય છે અને નોકરી-ધંધા પતાવીને લોકો ઘર તરફ વળે છે, ત્યારે આ રૂટ પર વાહનોની ભારે ભીડામણ જામે છે. વાપી જીઆરડી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાં અવરજવર કરતા હજારો નોકરિયાતો અને કામદારો રોજીંદા આ જ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી તેમને સમયસર પહોંચવામાં મોટો પ્રશ્ન નડે છે અને માર્ગ પર જ પરેશાન થવું પડે છે.
આ ભારે ટ્રાફિકજામમાંથી કોઈક રીતે વહેલા બહાર નીકળવાની ઉતાવળમાં કેટલાક અસાવચેત વાહનચાલકો જીવના જોખમે રોંગ સાઇડ પર વાહનો હંકારી રહ્યા છે, જેના કારણે ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. મુખ્ય હાઇવે પર ટ્રાફિક પોલીસ અને ઓથોરિટીની નબળી વ્યવસ્થાના કારણે સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે. રોડની આ કામગીરી વહેલી તકે રાત્રિના સમયે ઝડપથી પૂરી કરવામાં આવે અને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પૂરતો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવે તેવી પ્રબળ માંગ આ વિસ્તારના ત્રસ્ત વાહનચાલકોમાં ઉઠી રહી છે.
