રવિવારની રાત્રે જમ્મુ રેલવે સ્ટેશન પાસે આવેલા શિવા માર્કેટમાં એકાએક હાહાકાર મચી ગયો જ્યારે ત્યાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આ આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં 15થી વધુ દુકાનો અને એક હોટેલ બળીને ખાખ થઈ ગઈ. બજારના આ ભીડભાડવાળા વિસ્તારમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડતા હતા. આગની લપેટો એટલી ખતરનાક હતી કે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો અને ભાગદોડ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ગાડીઓ તાત્કાલિક સ્પોટ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, વિસ્તાર ખૂબ સંકીર્ણ હોવાને કારણે અને આગની તીવ્રતા વધુ હોવાને કારણે મિનિટોમાં જ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. સ્થાનિક લોકો અને દુકાનદારો જીવના જોખમે પોતાની દુકાનોમાંથી સામાન બચાવવા દોડાદોડ કરતા નજરે પડ્યા હતા, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ કે મોટાભાગના વેપારીઓની મહેનત આંખના પલકારામાં ખાખ થઈ ગઈ.
આ ભયાનક આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે કોઈ અધિકારી કે આઈટનેસએ તેની પુષ્ટિ કરી નથી. રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે વેપારીઓને થયેલું આર્થિક નુકસાન કરોડો રૂપિયામાં પહોંચી શકે છે અને સેંકડો પરિવારોની રોજી-રોટી છીનવાઈ ગઈ છે.
