ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ સ્થિત હઝરતગંજ વિસ્તારમાં એક ૨૮ વર્ષીય કેફે સંચાલકનું બાલકનીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ શિવ શર્મા તરીકે થઈ છે. આ ચકચારી ઘટના બાદ મૃતક યુવકની માતાએ તેની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રેમિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. માતાનો સ્પષ્ટ આરોપ છે કે પ્રેમિકા છેલ્લા ઘણા મહિનાઓથી તેના પુત્રને અશ્લીલ વિડિયો વાયરલ કરવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ કરી રહી હતી તેમજ તેની સાથે વારંવાર મારપીટ પણ કરતી હતી.
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આ સમગ્ર મામલે મૃતકની પ્રેમિકા શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ દુબે, ડ્રાઈવર દાનિશ, સાથીદાર આદિલ તેમજ અન્ય અજાણ્યા શખ્સો સામે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિવની માતા રંજના શર્માના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે આશરે નવ વાગ્યે શ્રદ્ધાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે શિવ બાલકનીમાંથી નીચે પડી ગયો છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો છે. ત્યારબાદ શ્રદ્ધાએ તેના અંગત ડ્રાઈવરનો ફોન નંબર આપીને સંપર્ક કરવા કહ્યું હતું.
મૃતકની માતા જ્યારે તાબડતોબ લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના ઇમરજન્સી વિભાગમાં પહોંચી, ત્યારે ત્યાં એક ખાનગી એમ્બ્યુલન્સ પાર્ક થયેલી જોવા મળી હતી. ત્યાં હાજર યુવકે પોતાની ઓળખ ડ્રાઈવર દાનિશ તરીકે આપી હતી. માતાએ જ્યારે પુત્ર સાથે શું બન્યું તે અંગે સવાલો કર્યા ત્યારે ડ્રાઈવરે ઘટના વિશે કશી જ જાણ ન હોવાનું કહીને શિવના મૃતદેહને ત્યાં જ છોડી દીધો હતો. ત્યારબાદ હોસ્પિટલના તબીબોએ શિવને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. શિવ બાલકનીમાંથી અકસ્માતે નીચે પડ્યો હતો કે તેને કોઈ કાવતરા હેઠળ નીચે ફેંકી દેવામાં આવ્યો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તમામ આરોપીઓની ભૂમિકા અંગે સઘન પૂછપરછ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
